________________
પુણ્ય શ્રવણ
સાંભળતા આનંદ મળે તેવી વાતો ઘણી હોય છે. સાંભળતા સમજણ મળે તેવી વાતો ઓછી હોય છે. આપણે સ્વાર્થ માટે સાંભળવાની તૈયારી રાખીશું. સ્વાર્થ વિના સાંભળવાનું આપણું ગજું નથી. સ્વભાવ થઈ ગયો છે. ન ગમે તે ન સાંભળીએ, ન રૂચે તે ન સાંભળીએ. સારું બોલવું જેમ જરૂરી છે તેમ સારું સાંભળવું જરૂરી છે.
તમે પરમાત્માનું નામ સાંભળો છો, એ નામની પવિત્રતા તમને સ્પર્શે છે. તમારી સમક્ષ પ્રભુનું નામ મંત્ર બનીને આવે છે, તમે કૃતાર્થ બનો છો. પ્રભુની કથા તમે સાંભળો છો. ઘણાબધા પ્રસંગો આવે છે. એ સાંભળીને આહલાદ સાંપડે. પ્રભુનાં નામનું અને પ્રભુનાં જીવનનું શ્રવણ તે પુણ્ય શ્રવણ.
તમે સદ્ગુરુ પાસે બેસો છો. વાર્તાલાપ થાય છે. ગુરુ દ્વારા પ્રેરણા મળે છે. ગુરુ તમને પૂછે છે. ગુરુ તમને જવાબ આપે છે. ગુરુ તમારી સમક્ષ વ્યાખ્યાન ફરમાવે છે. ગુરુનો અવાજ અને ગુરુની વાતો તમે સાંભળો છો તે પુણ્યશ્રવણ છે.
તમે તમારા મિત્ર સાથે બેઠા છો. મિત્ર દ્વારા શુભ સમાચાર મળે છે. મિત્ર સાથેનો વાર્તાલાપ સત્સંગ સમો ચરિતાર્થ છે. નાના મોટા માણસોનાં જીવનમાં રહેલા ઉત્તમ સગુણો અને પ્રેરણારૂપ પ્રસંગોની વાતો થાય છે. પૈસા કે પરિવારની વાતો છે જ નહીં. સુંદર અને નિઃસ્વાર્થ વાતો એ પુણ્ય શ્રવણ.
તમે પ્રાર્થના કે સ્તવના કે ભજન સાંભળો છો. તેમાં તમે લયલીન બની જાઓ છો. તમે ગાઈ રહ્યાં છો તે અલગ ગણવાનું. તમે સાંભળીને પરમ આનંદ પામો છો તે મુખ્ય બાબત છે. પ્રભુની ભક્તિનાં સ્તવનો સાંભળતા આનંદ આવે તે પણ પુણ્ય શ્રવણ.
તમે સાંભળો છો ઘણું. તમે જે શબ્દો કાને ધરો છો તે શબ્દો જ તમારા વિચારોનું ઘડતર કરે છે. તમને સારા સંસ્કાર આપે, તમને સારી ભાવના આપે તમને સારી પ્રેરણા આપે તેવા શબ્દોનું શ્રવણ તમે કરો છો તે તમારું પુણ્ય શ્રવણ છે.
સંગીતનો રસિયો ગીતો કે ગઝલો સાંભળીને મજા લે છે. પુણ્ય શ્રવણનો પ્રેમી તત્ત્વચિંતનની વાતોમાં મજા લેશે. તમે જોવામાં આંખનો ઉપયોગ કરો છો તો જે ન જોવું હોય તે ન જોવા માટે આંખો બંધ કરી શકો છો. કાનની બાબતમાં એવું નથી. સાંભળવું હોય અને ન સાંભળવું હોય, શબ્દો તો કાને પડવાના જ છે. શબ્દો દ્વારા ઘડાતો વિચાર કે સંસ્કાર નક્કી કરવામાં આપણે સ્વતંત્ર છીએ. તમે સાંભળેલું જે હોય તે સાંભળ્યા પછી તમારા મનમાં સારી જ અનુભૂતિ પામો તે તમારું પુણ્ય શ્રવણ છે.
આપણે બોલીએ તેની અસર બીજાં માણસના મનમાં થાય છે. આપણે ખરાબ કે અયોગ્ય બોલીએ તેની અસર બીજા માણસનાં મનમાં ખરાબ પડે તો એ આપણા તરફથી અપાયેલું કે પાપશ્રવણ છે. આપણે બોલીએ તેની સારી અને સમુચિત અસર બીજા માણસનાં મનમાં પડે તે આપણા તરફથી અપાયેલું પુણ્યશ્રવણ છે.