________________
આંખોની કમાણી
ખોમાં આકાશ નથી સમાતું. આંખો દરિયાને માપી શકતી નથી. આંખો સૂરજથી અંજાઈ જાય છે. આંખોને અજવાળું ગમે છે. આંખોને તડકો નથી ફાવતો. આંખોની દુનિયા મોટી છે. તમારા વિચારો આંખો દ્વારા ઘડાતા હોય છે. તમારે જોવા માટે આંખોની જરૂર પડે છે અને વિચારવા માટે જોવાની જરૂર પડે છે. તમે જે જોયું નથી તેની કલ્પના કરો છો. તમે જોયું છે તેને સમજો છો અને યાદ રાખો છો. તમારી પાસે જોવાની શક્તિ ના હોય તો તમને કશી જ ખબર ના પડે. આંખો વિના, જોવાની શક્તિ વિના જગતુ સૂમસામ બની જાય છે. આંખો છે તો જગત છે.
કબીરે એક વખત લખ્યું હતું : દેખન સરિખી બાત હૈ બોલન સરિખી નાહિ, જોવા જેવું જોવા મળે છે ત્યારે શબ્દોની બાદબાકી થઈ જાય છે. તમે જોયું હશે તો તમારે પૂછવું નહીં પડે. તમે જોયું હશે તો તમારે બોલવું નહીં પડે. તમે આત્માને મળ્યા હશે તો તમે શાંત થઈ જશો. તમે પ્રભુને નિહાળી લીધા હશે તો તમારે શબ્દોની જરૂર નહીં પડે. તમે આંખોને વાપરો છો. તમે આંખોથી કમાણી કરતા નથી.
આંખોને એક સારી જગ્યાએ અટકાવવાની આદત પાડો. આંખો પાણીના તરંગો પર અટકે તે કરતાં પ્રભુની આંખો પર અટકે તે વધુ સારું છે. આંખો ટીવીના સ્ક્રીન પર અટકે તે કરતાં વધુ સારું એ છે કે કોઈ સારાં પુસ્તક પર અટકે.
આંખો માટે સરસ શબ્દ છે. દર્શન. સાક્ષાત્ જોવું તે દર્શન છે. પ્રત્યક્ષ નિહાળવું. સારા માણસોનાં સરનામાં મેળવો. પ્રત્યક્ષ તેમને જોવા પહોંચો. સારા પ્રસંગોના સમાચાર મેળવો. ત્યાં પહોંચીને નજરે નિહાળો. આંખો દ્વારા મન સુધી પહોંચે છે અંગત. આંખો જેની પર સ્થિર હશે તેની સાથે મન સ્થિર બનવાનું છે. આંખો પલક મારે છે કેમ કે આંખોને સતત જોવાનું ગમતું નથી.
આંખોને પરિવર્તન આપો. એ જ બધું ઘરબાર ને પરિવારનું દૃશ્ય આંખોને જોવા મળે છે. તો આંખોને મળતું કશું નથી. એક માણસ ભગવાન માટે મહેનત કરે છે. એક માણસ ગુરુની સેવા કરે છે. એક માણસ ગાયને ચારો, કૂતરાને રોટલો આપે છે. આ બધું તમે જોયું નથી. એક માણસે ગુરુની પાસે બેસીને રડતી આંખે બધા જ પાપોની કબૂલાત કરી લીધી. તમે એ જોયું નથી. એક માણસે સંસાર છોડી દીધો કે પાપનો ધંધો છોડી દીધો કે વૈર છોડી દીધું. તમે તે જોવા પામ્યા નહીં. તમે ન જોયું તેને લીધે કોઈ જ કામ અટક્યું નથી. તમે ન જોયું તેને લીધે તમારી કમાણી અટકી છે.
આંખો દ્વારા સતત શોધ ચાલવી જોઈએ. સારું હોય, ઉત્તમ હોય, ઉમદા હોય તે શોધી કાઢવાનું. એની પર ધ્યાન આપવાનું. તમે જોતા નથી તો તમને નુકશાન છે. તમે શોધતા નથી તે તમારે ખોવાનું છે. શોધો, મળવો, નિહાળો અને આંખોની કમાણી ચાલુ રાખો.
પૈસાની કમાણીમાં રવિવારની રજા હોય છે. આંખોની કમાણીમાં કોઈ રજા ન ચાલે.
આંખોની કમાણીમાં કોઈ મર્યાદા નથી. તમે જેટલું ધારો તેટલું કમાઈ શકો. તમે કેટલું કમાઓ છો તે તમારા હાથમાં છે.