________________
ઉદારતા
તમારે સારા માણસ બનવા માટે ગુણો મેળવવાના છે. તમે ગુણોના રાજાને, ઉદારતાને પહેલા મળજો , ઉદારતાનો સામાન્ય અર્થ પૈસો વાપરવાની હિંમત એવો થાય છે. પૈસાની કમાણી કર્યા પછી તમે સારા માર્ગે ન વાપરો તો તમે કંજૂસ છો. તમે તમારા ઘર, પરિવાર અને ધંધા માટે પૈસા વાપરી શકો છો અને સત્કાર્યમાં તમારો હાથ બંધાયેલો રહે છે તો એ સ્વાર્થ છે. પૈસા પુણ્યથી આવે છે. પૈસા વાપરવાથી પુણ્ય ખર્ચાય છે. પૈસા દ્વારા સત્કાર્ય કરવાથી નવું પુણ્ય ઊભું થાય છે. આ મહત્ત્વની વાત છે. પૈસા દ્વારા સ્વાર્થને સાચવે તે સંસારનો માણસ, પૈસા દ્વારા પરાર્થ અને પરમાર્થને સાચવે તે ભગવાનનો માણસ. છૂટા હાથે પૈસાનો સદુપયોગ કરવો તે ઉદારતા છે.
અને તમારી સામે જ તમારો પાડોશી ઘણી બધી કમાણી કરીને તમારા કરતા વધુ શ્રીમંત બની જાય તે વખતે તમારા મનમાં ઇર્ષા ન થાય તે મોટી ઉદારતા છે. તમારો દુશમન તમને ખૂબ પરેશાન કરી ચૂક્યો હોય, તમારી સમક્ષ એને ગુનેગાર તરીકે ઊભા રહેવું પડે અને સજા કરવાની સંપૂર્ણ સત્તા તમારા હાથમાં હોય ત્યારે તમે એ ગુનેગારને માફ કરી દો એ ઉદારતા છે. તમને જીત મળે અને સામા પક્ષની ખરી પ્રશંસા કરવી તે ઉદારતા છે. હાથ છૂટો રાખો અને મન મોટું રાખો આ ઉદારતાનું સૂત્ર છે.
ઉદારતા માટે ભોળપણ અને સરળતા જેવા શબ્દો વપરાય છે તે ખોટું છે. ઉદાર વ્યક્તિ સામી વ્યક્તિને જાણી જોઈને માફ કરતી હોય છે. ગુજરાતી ભાષામાં રચાતાં ખંડકાવ્યોના બેતાજ બાદશાહ કવિ કાંતનાં જીવનમાં પ્રસંગ બન્યો હતો. તેમણે એક અજાણ્યા સેલ્સમૅન પાસે વસ્તુ ખરીદી એ વસ્તુ ઓછી કિંમતની હતી. સેલ્સમેને તે વધારે રૂપિયા લઈને કાંતને તે વેંચી. કાંત એ વસ્તુ લઈને ઘેર આવ્યા તેમના મિત્ર કહે કે તમે
- ૧૩
ભોળા છો. પેલો તમને મૂરખ બનાવી ગયો. કાંતે જવાબ આપ્યો, એ માણસે જરૂર કરતાં વધારે પૈસાની કિંમતમાં વસ્તુ મને આપી તેની મને ખબર છે. એ મને ખબર નથી પડતી એમ સમજીને મને માલ પકડાવી ગયો. મને તો ખબર જ હતી કે આ માણસ બનાવટ કરી રહ્યો છે પરંતુ તેને બીચારાને પૈસાની જરૂર હશે એમ સમજી મેં તેણે માંગ્યા તેટલા પૈસા આપીને વસ્તુ લઈ લીધી. મને જે વસ્તુ જોઈતી હતી મને મળી ગઈ. તેને જે પૈસા જોઈતા હતા તે તેને મળી ગયા. હું મૂરખ બન્યો જ નથી. મૂરખ તો પેલો સૅલ્સમૅન બન્યો. તે મને ઠગવા માંગતો હતો. હું સમજી ગયો હતો. તે મને ઠગી નથી શક્યો. મેં એને ખુશ રાખવા વધારે પૈસા આપ્યા છે.
કાંતનો જવાબ એ ઉદારતા છે. પોતાની જીદ છોડી દેવી એ ઉદારતા છે. પોતાનો બચાવ ના કરવો તે ઉદારતા છે. પોતાને બદલે બીજી વ્યક્તિને વિશેષ મહત્ત્વ આપવું તે ઉદારતા છે. તમારા જીવનમાં ઉદારતા આવી હશે તો તમારા નામનો ડંકો દશે દિશામાં વાગશે.