________________
મનોમંથન
ત્રણ શબ્દો છે : દુઃખ, દ્વેષ અને દયા. કોઈ માણસ તમને ન ગમતું કામ કરે, તમારી માટે અસહ્ય હોય તેવો વર્તાવ કરે, તમારી જિંદગીની શાંતિને ખાખ કરી દે. તમે એ માણસને લીધે દુ:ખ અનુભવો. તમે એના તરફથી જે મળ્યું તેને લીધે વેદના અનુભવો છો. તમે એ દુ:ખ સ્વીકારી શકો છો અને માની શકતા નથી. તમે મનમાં હીજરાયા કરો છો. દુ:ખ આવ્યું તે હકીકત છે. દુ:ખ જેમના તરફથી આવ્યું તેનો આંચકો પણ મોટો છે. તમે મનમાં ઘેરી સ્તબ્ધતા અનુભવો છો. તમે ઢીલા પડો છો. તમે નિરાશા પામો છો. તમે ધીરજ કોઈ બેસો છો. તમારાથી કશું સહન થઈ શકે તેવું નથી. તમને દુઃખ અને દુઃખદાતા સતત ખેંચ્યા કરે છે. દુ:ખ નથી ગમતું. દુ:ખદાતા ગમતા નથી. વેદના.
તમને દુઃખ દેનારો માણસ તમારી માટે આદરપાત્ર હોઈ શકે નહીં. દુ:ખનો દેનારો ગમે તેટલો પ્રીતિભાજન હોય પરંતુ દુ:ખ આપ્યું તે મુદ્દે તો એમની માટે નારાજગી રહે જ છે. દુઃખ દૂર ન થાય, દુ:ખ બદલ દિલાસો ન મળે તો એ દુ:ખના દેનારા માટે તમને સદ્ભાવ રહેવાનો નથી. તમારાં દુઃખને સમજી ન શકે તેની માટે તમારા મનમાં વિદ્રોહ જાગે છે. તમને મળેલાં નાના કે મોટાં દુ:ખનો હિસાબ તમે માંગો છો. તમને તકલીફ થઈ તેનો તમને સતત ડંખ રહે છે અને એથી વિસ્ફોટ થઈ શકે છે. તમે ધૂંધવાયેલા રહો છો. તમે બદલો લેવા ચાહો છો. તમે આક્રોશમાં આવી ગયા છો. તમે દુ:ખને નાપસંદ કરો છો. તમે દુઃખદાતાને દ્વેષ કરો છો.
તમે દુઃખ અને દ્વેષની ધારે ધારે વિચારી રહ્યાં છો. તમારી સમક્ષ તમારા સ્વજન છે. તમને દુ:ખ એમણે આપ્યું. તમારો દ્વેષ તેમની પર બંધાયો. તમારી લાગણીઓ તમારા હાથમાં રહી નથી. તમને આ મુકામ પર છો. તમે એ સ્વજનની સાથે સંકળાઈ ચૂકેલા તમારાં સુખો યાદ આવે છે. એ સુખમાં તેમનો ફાળો હતો. તમને મળેલી કેટલીય સફળતામાં તેમનો હિસ્સો છે. તમે
વીમાસણમાં છો. દુ:ખ વાગ્યું તે સચ્ચાઈ છે. સુખનો સથવારો ભૂતકાળનો વાસ્તવિક અંશ છે. તમે ભીંસમાં આવો છો. તમે દ્વેષ છોડી શકતા નથી. તમે લાગણી ટાળી શકતા નથી. તમે તેમને માફ કરી દો છો છતાં તમારા મનમાં જખમ રહે જ છે. તમે પ્રેમ કરી નથી શકતા અને પ્રેમને ભૂંસી નથી શકતા. તમારી કર્તવ્યભાવના તમને ઝઘડો કરતા રોકે છે. તમારી વેદના તમને પહેલાની જેમ હળવાભળવાની ના પાડે છે. તમે તમારાં દુ:ખનો વિચાર કર્યો તેમ તેમનાં દુ:ખનો વિચાર કરો છો. તેમણે તમારી સાથે જે કર્યું છે તે તમારી માટે સ્વીકાર્ય ભલે નથી. તમે સજ્જન માણસ તરીકે તેમને માફી આપી દીધી છે. હવે તમે એમની પાસે કોઈ અપેક્ષા નહીં રાખો. હવે તમારા તરફથી એમને કોઈ રીતે હેરાન કરવામાં નહીં આવે. એમને જે કરવું હોય તે કરે. તમને એમની માટે સહાનુભૂતિ નથી, લાગણી નથી. તમારા હાથમાંથી તમે જે ગુમાવ્યું છે તે તેમને હેરાન કરવાથી પાછું મળવાનું નથી. તમે એમને મુક્ત રાખો. તમે એમની સાથે સંલગ્ન નહીં રહી શકો તે સાચું. તમે તેમના દુશ્મન નહીં બનો તે તમારી ઉદારતા હશે. લીલીછમ હરિયાળીમાં ચાલતા ચાલતા તમને કાંટો વાગી જાય છે તો તમે કાંટો કાઢીને ફેંકી દો છો. તમે હરિયાળીને દોષ દેતા નથી. તમને દુ:ખ આપનાર માટે તમે આક્રમક નહીં બનો. તમે એમને છોડી દો મતલબ તમે એમણે આપેલાં દુ:ખનો જવાબ માંગવાનું છોડી દો. તમે આજે થોડુંક ગુમાવ્યું છે ને તેની સામે ઘણું બધું ગુમાવ્યા વિનાનું મેળવી લીધું છે. તમને જે મળ્યું છે તે પૂરતું છે. તમને જે મળ્યું નથી તે થોડું છે. એને મહત્ત્વ નથી આપવું.
દુ:ખ અને દ્વેષ અને દયાનું આ મનોમંથન છે.
- ૧૫