________________
પ્રતિભાવ જોવાની આદત
આત્મનિરીક્ષણ વિનાનો ધર્મ એટલે શ્વાસ વિનાનું શરીર, ધર્મ કરો એમાં આત્માને લાભ. ધર્મ દ્વારા આત્માને યાદ કરો કે આત્મા દ્વારા ધર્મને યાદ કરો. તમે શું કરી રહ્યા છો તે સામો માણસ જોઈ શકે. તમે શું કરી રહ્યા છો તે તમને દેખાતું નથી. કરવું છે માટે કરી લો છો. બોલવું છે માટે બોલી નાંખો છો. તમે જે કર્યું તે બીજા જોશે, તમે જે બોલ્યા તે બીજા સાંભળશે, તમે જે કરશો એનો પ્રતિભાવ આવશે. તમે જે બોલશો તેનો પડઘો પડશે. તમને સાનુકૂળ નહીં લાગે પ્રતિભાવ, નારાજ થશો, તમને અનુકૂળ લાગશે પ્રતિભાવ, રાજી થશો. તમારો અભિગમ કોઈ નથી. પ્રતિભાવ મુજબ ખુશ કે નાખુશ થતા રહેવાનું. તમને મળી રહેલા પ્રતિભાવ કડવા હોય અને એ તમને ગમી શકતા ન હોય તો તમે વ્યથા અનુભવશો. આ વખતે આત્મનિરીક્ષણ કરો. તમને જે પ્રતિભાવ નથી ગમ્યો તે પ્રતિભાવ ખરાબ છે એ તમને સમજાઈ રહ્યું છે તો હવે નક્કી કરી લો કે મારા તરફથી બીજાને આવો પ્રતિભાવ નહીં મળે. મને ગાળ સાંભળવી નથી ગમતી તો હું બીજાને ગાળ નહીં આપું. મારી સાથે છળપ્રપંચ થાય એ મને નથી ગમતું તો હું બીજાની સાથે છળપ્રપંચ નહીં કરું. મને ઠપકો સાંભળવો નથી ગમતો તો હું બીજાને ઠપકો નહીં આપું. મને બદનામી નથી ગમતી તો હું બીજાની બદનામી નહીં કરું. મને માર ખાવો નથી ગમતો તો હું બીજાને મારીશ નહીં.
સામી વ્યક્તિ તમારી સાથે જે વર્તન કરે છે તે ફક્ત વર્તન નથી. તમે ભૂતકાળમાં એ વ્યક્તિ સાથે જે કાંઈપણ કરી ચૂક્યા છો તેનો જ પ્રતિભાવ છે. તમે ભૂતકાળમાં ત્રાસ આપ્યો હશે તો તમને ત્રાસ મળે છે, તમે ભૂતકાળમાં ઉપેક્ષા કરી હશે તો તમારી ઉપેક્ષા થાય છે. તમે ભૂતકાળમાં બીજાને ફસાવ્યા હશે તો તમારે ફસાવું પડે છે. સાથે રહેલી વ્યક્તિઓ પ્રતિભાવ આપે છે તેમ આપણા વર્તમાન સાથે જોડાયેલો ભૂતકાળ પણ પ્રતિભાવ આપે છે. સહવર્તી
લોકો કદાચ ન આપે, ભૂતકાળ તો તમારી કક્ષા મુજબનો પ્રતિભાવ તમને આપશે જ. દસ દિવસ જૂનો ભૂતકાળ. તમે રોજ શ્રીખંડ ખાતા જ રહ્યા. વર્તમાન દિવસ છે અગિયારમો. તમને શરદી થશે જ. ત્રણ રાતનો ભૂતકાળ. ત્રણે રાત સૂતા નહીં, ઊંધ જ ના લીધી. ચોથા દિવસે સખત થાક લાગશે, ભૂતકાળનો પ્રતિભાવ. ભૂતકાળ દૂરનો હોય છે, નજીકનો હોય છે. એ પ્રતિભાવ બતાવે જ છે. કાકા કાલેલકરે સરસ વાત લખી છે. | ‘આ દુનિયામાં બધું બદલાય છે. ભૂતકાળ બદલાતો નથી. બધું અસ્થિર છે, ભૂતકાળ સ્થિર છે.' તમને વ્યક્તિ કે ભૂતકાળ પાસેથી જે મળ્યા કરે છે તે પ્રતિભાવોને ઓળખતા રહો. તમને ના ગમતું તમારી સાથે બને ત્યારે તમે એવું બીજા સાથે ન કરવાનો સંકલ્પ કરો. તમે આગથી દાઝવાનું પસંદ નથી કરતા તો બીજાના ઘરમાં આગ ના લગાડશો. તમારા તરફથી બીજાને મળનારો પ્રતિભાવ ખરાબ હોય તો એ તમારી જવાબદારી બની જશે. તમે બીજાને દુ:ખ પહોંચાડ્યું તે જ ક્ષણે તમારાં ભવિષ્યમાં દુ:ખનો પ્રવેશ થશે તે નક્કી થઈ ગયું. તમારી જવાબદારી એ છે કે તમે તમારા પ્રતિભાવને કાબૂમાં લો.
લોકો કહે છે કે સ્વભાવ સુધારવો જોઈએ. હું તો સ્પષ્ટ રીતે માનું છું. પ્રતિભાવ સુધારવા જોઈએ. ખરાબ પ્રતિભાવ હરગિઝ વ્યક્ત ના થવો જોઈએ. પ્રતિભાવ બગાડીને તમે સામા માણસ સાથેનો સંબંધ બગાડો છો, ખુદ તમારી પોતાની છાપ બગાડો છો અને ભવિષ્યના એક ખુણાને અસલામત બનાવો છો. તમને સાંભળવા મળે તે ગમે તેવું હોય કે ના હોય એનો પ્રતિભાવ ખરાબ નીકળે નહીં તેનું ધ્યાન રાખજો. તમારી સાથે થનારું વર્તન સારું હોય કે ના હોય, તમારા તરફથી એનો પ્રતિભાવ ઉગ્ર ના જ હોવો જોઈએ.
ખરાબ કે તીખો કે ઉગ્ર કે આક્રમક પ્રતિભાવ એમ પૂરવાર કરે છે કે તમે સારા માણસ નથી. આખા દિવસ દરમ્યાન તમારા તરફથી ખરાબ પ્રતિભાવો કેટલા વ્યક્ત થયા છે તે રાતે સૂતાં પહેલાં શોધી કાઢો. આવતી કાલે એ પ્રતિભાવો રિપીટ નથી કરવાના તેવી ધારણા બાંધો, જાગતા રહેજો.
- ૧૩
૧૮ છે