________________
પરિવર્તન
તમારે આત્મપરિવર્તન કરવું હશે તો ત્રણ કામ કરવા પડશે. આત્મનિરીક્ષણ, આત્મવિશ્વાસ અને આક્રમક અભિગમ.
તમારા ખાતે જમા થયેલી ભૂલો તમારે જોવી પડશે. તમે કરી હતી અને તમે કરો છો તે ભૂલોનું લીસ્ટ બનાવો. રીતસર કાગળ અને પેન લઈને બેસો. એક એક ભૂલોને યાદ કરીને લખો. એ ભૂલોનો બચાવ કરવાની દાનત રાખતા નહીં. એ ભૂલો કરી તેનો ખુલાસો પણ આપવાનો નથી. એ ભૂલો થઈ છે તેની અંગત કબૂલાત કરવાની છે. તમે પોતાની જાતને ઠપકો આપી શકો છો. તમે પોતાની પાસે જવાબ માંગી શકો છો. શા માટે આ ભૂલો મેં કરી હશે ? તમે એ દરેક ભૂલો બદલ પસ્તાવો અનુભવો. તમારી ભીતરમાં વલોપાત જગાડો. તમારી લાચારી કે કમજોરી અંગે રંજ અનુભવો. પહેલું કામ આ છે. આત્મ નિરીક્ષણ.
તમે વિચારો, હિંમત કે સાથે વિચારો. આ બધી ભૂલો સુધરી શકે તેવી છે કે નહીં ? અમુક ભૂલોમાં સુધારો કરી શકાય તેમ છે. અમુક ભૂલોમાં તમે પોતે લાચાર છો. એ ભૂલ હમણાં રહેવા દો. એનો ઇલાજ પછી થશે. જે ભૂલો સામે તમે લાચાર નથી, જે ભૂલોમાં તમે એકદમ ફસાયેલા નથી તે ભૂલોને જુદી તારવો. આ ભૂલો ખરાબ છે માટે મારે એમાં સુધારો કરવો છે તેવું વિચારો. તમે જો ગભરાશો કે મૂંઝાશો તો મજા નહીં આવે. તમે એ ભૂલોની સામે લડવામાં સફળતા મેળવી શકો છો એવું દૃઢપણે વિચારો. તમે ધારશો તો એ ભૂલો છૂટશે. તમે નક્કી કરશો તો એ ભૂલમાંથી તમે જરૂર બહાર આવી શકશો. તમે ઢીલા હશો તો મેળ નહીં પડે. તમારે મજબૂત બની રહેવાનું. આ બીજું કામ. આત્મવિશ્વાસ. - હવે તમે શરૂઆત કરો. એક ભૂલ તમે છોડી રહ્યા છો. એક ખરાબ કામનું ખાતું તમે બંધ કરી રહ્યા છો. એક પાપ તમે મોકૂફ રાખી રહ્યા છો. કચકચાવીને
મહેનત કરજો. તમે ગભરાતા હશો તો પાપ છૂટશે નહીં. તમારી આશા અખૂટ રાખો. તમે નવુ સંસ્કારધન અર્જીત કરી રહ્યા છો. તમે નવાસવા છો તેવું માનો નહીં. તમે આગળ વધી રહ્યા છો. તમે પ્રગતિના પંથે છો. તમે ડરતા નહીં, તમે હારતા નહીં, તમે ટકી રહેજો . તમે નિર્ણયને વળગી રહેજો . ધીમે ધીમે ગોઠવાતું જશે.
તમારે પરિવર્તન માટે આ જ દિશામાં ચાલવું પડશે.
તમે તમારી ભૂલનો વિચાર નહીં કરો તો તમારા મનમાં પરિવર્તનનો વિચાર નહીં જાગી શકે. તમે પરિવર્તન માટે આત્મવિશ્વાસુ હશો નહીં તો તમારામાં હિંમત નહીં આવે. હિંમત નહીં આવે તો તમારામાં ફરક આવી નહીં શકે, તમે આજ સુધી જિંદગી જેમ તેમ જીવી ચૂક્યા છો. હવે પછી તમે ગંભીરતાપૂર્વક નિર્ણય લઈને જીવનને આગળ વધારવા માંગો છો. તમારે પરિવર્તન પદ્ધતિસર અને સુરેખ ઢબે કરવાનું રહેશે.
તમે પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે. તમે જીતવાના જ છો. બેસ્ટ ઑફ લક.
- ૧૯
ર0 ,