________________ કાલે પાછા મળજો તમે રોજના જોડીદાર નથી. તમારી સાથે થોડા દિવસો માટે દોસ્તી બંધાઈ છે. એક સભામાં સાથે પ્રવચનો સાંભળ્યા. એક ઉપાશ્રયમાં સાથે રહીને ધર્મસાધના કરી. વિધિ અને અવિધિનો ભેદ સાથે બેસીને સમજયા. હવે છૂટા પડવાના દિવસો આવી પહોંચ્યા છે. તમે અને અમે હવે છેક આવતાં વરસે ભેગા થઈશું. તમે મને ઓળખી નહીં શકો. હું તમને નહીં ઓળખી શકું. દર વરસે સાથે બેસવાનું નક્કી છે તો થોડા દિવસો પછી આખું વરસ જુદા રહેવાનું નક્કી છે. પળ બે પળનો સંગ છે. નિરંજન ભગત કહે છે તેમ આપણો ઘડીક સંગ. તમારી સાથે બહુ વાતો થઈ નથી. દૂર બેઠા તમારો અવાજ સાંભળ્યો છે. મારો અવાજ તમારા કાને પડ્યો હશે. એકબીજાને મળવાની જરૂર પડી નથી અને મળ્યા પણ નથી, એક છત અને એક મકાનનો પડછાયો આપણને એક બનાવી રાખતો હતો. હવે આપણે પોતપોતાની છત અને પોતપોતાના મકાનમાં બંધાઈ જવાના છીએ. તમારી અને મારી ઓળખાણ નથી માટે ન ફરિયાદ છે, ન આકર્ષણ છે. સંબંધ કે પરિચય નથી તો દુશ્મની કે સ્પર્ધા પણ નથી. ફક્ત અને ફક્ત પહેચાન છે. મરાઠી ભાષામાં એક શબ્દ છે. તોંડઓળખે. એનો અર્થ થાય છે કે હું તમને જોઈને ઓળખું છું. જોવા સિવાયની ઓળખ નથી. તો સાવ અજાણ્યા નથી આપણે. જોયા છે તેની ઉપલક ઓળખ છે. શાયદ એક તક હતી. એક કલ્યાણમૈત્રી શરૂ થવાની હતી. મેં તમને નામ પૂછીને શરૂઆત કરી હોત તો એક આખુ ધર્માત્માનું સંસ્કારજગત મારી સમક્ષ ઉઘડી આવવાનું હતું. તમે મને નામ પૂછીને શરૂઆત કરી હોત તો મારા મનની વાતો તમને જાણવા મળવાની હતી. એક નજદીકીનો અવસર હતો. ન તમે વાત શરૂ કરી. ન મેં વાત શરૂ કરી. સાથે હતા. વિખૂટા હતા. સાથે હતા નહીં. માટે વિખૂટા પડ્યા નહીં. હવે આવતાં વરસે ભેગા થવાનું છે. અત્યારે તો લાંબા સમયનો અલ્પવિરામ આવ્યો છે. તમે તમારા રસ્તે નીકળી રહ્યા છો. હું મારા રસ્તે નીકળી રહ્યો છું. કોઈ દિવસ બજારમાં ભેગા થઈ જઈશું તો આમને સામને હસી લઈશું. રસ્તા વચ્ચે મળીશું તો કેમ છો કે કેમ નહીં તો નહીં બોલીએ, આંખોની ઓળખાણ હશે જ. સંદાના સંગાથી વિખૂટા પડ્યા પછી પાછા મળે છે ત્યારે ભૂતકાળ અને વેદના નવજીવિત થાય છે. આપણે ભેગા મળીશું ત્યારે થોડીક ક્ષણો તાજી બનશે. થોડો સમય, થોડીક સેકંડો એકબીજાની નોંધ લેવાશે. નાની અને નોંધપાત્રતા વિનાની એ પળો હશે. એ પળો મને ગમશે. કેમકે મને તમારી માટે ન રોષ છે, ન દુઃખ. મને તમારા તરફથી ન ડર છે, ન ચિંતા. તમને મારા તરફથી કશી ભીતિ હોય એવું પણ નથી. વાસ્તે આ મોકળાશ મને ગમે છે. આપણે એક બીજાને સ્વાર્થ વિના ઓળખીએ છીએ. તેનો રાજીપો ખૂબ છે, મારા મનમાં એવું પણ બનત કે વાતો ચાલુ કરી હોત તો પછી સ્વાર્થવાળી લેવડદેવડ શરૂ થઈ જાત. પછી આપણી વચ્ચે કડવાશ આવી જાત, દ્વેષ અને દોષારોપણનો સિલસિલો શરૂ થઈ જાત. ઓળખાણમાં ગજગ્રાહ આવી ગયો હોત. આપણે દૂરના દૂર છીએ. સારું છે. એકબીજા માટે પૂર્ણ આદર છે. એક બીજાને સારા અને ઉત્તમ માણસ માનીએ છીએ. આપણે બહુ નજીક નથી આવ્યા. સારું છે. આપણી ઓળખાણ ઓછી છે. આપણો કહેવા પૂરતો સંબંધ છે. તમે મને જોયા બાદ આગળ ન વધ્યા. હું તમને જોયા બાદ આગળ ન વધ્યો, સંબંધો વિકસાવ્યા નહીં. વાતચીતનો દોર બંધાયો જ નહીં. સારું જ છે. આજથી હવે છૂટા પડીએ છે. આ તંદુરસ્તી સાથે કાલે પાછા મળજો. - 95. CE .