________________
ખોટો સિક્કો
શીકબજારમાં એક કાકા કોથમીર વેચે છે. સારી અને તાજી કોથમીર લેવા નિયમિત ઘરાકો આવે છે. એક ઘરાક વિચિત્ર છે. થોડા થોડા દિવસે એ ખોટો પૈસો આપીને કોથમીર લઈ જાય છે. આઠ દસ ખોટા સિક્કા તે કાકાએ ભેગા કરીને રાખ્યા છે. એમના મિત્રને ખબર પડી. પૂછ્યું : ‘આવા ખોટા સિક્કા કેમ ભેગા કરો છો ?’ કાકાએ સરસ જવાબ આપ્યો. કહ્યું : ‘થોડા વરસો પછી મારું મરણ આવશે. મારે ભગવાન પાસે જવાનું છે. મારા જીવનમાં તો મેં
ખાસ કોઈ ધર્મ કર્યો નથી. ભગવાન સામે જઉં તો ભગવાન મારો સ્વીકાર ન કરી શકે કેમ કે હું બહુ પાપી છું. એટલે મેં આ સિક્કા ભેગા કરી રાખ્યા છે.’
મિત્ર પૂછે છે : ‘ખોટા સિક્કાને અને ભગવાનને શું લેવા દેવા ?’ કાકા કહે છે : ‘મર્યા પછી હું ભગવાન સામે ઊભો રહીશ. ભગવાન મારાં પાપોને જોઈને મારો અસ્વીકાર જ કરવાના છે. હું એ વખતે મારા ભગવાનને કહીશ. મારા દુકાને આવનારા ધરાકના ખોટા સિક્કા મેં રાખી લીધા હતા. પાછા આપ્યા નહોતા. આજે હું તમારી સામે ખોટો સિક્કો બનીને આવ્યો છું. હું તો નાનો માણસ છું. મેં કોઈનો ખોટો સિક્કો રાખી લીધો હોય તો તમે તો ભગવાન છો. તમે મારા જેવા ખોટા સિક્કાને પાછો કાઢશો નહીં. તમે મને ખોટો સિક્કો માનતા હો તો પણ તમારી પાસે રાખી લેજો. મારે ભગવાન પાસે રહેવું છે એટલે આ ખોટા સિક્કા સાચવી રાખું છું.'
કાકાની વાત અજબની છે. જીવન જીવો તો મૃત્યુને યાદ રાખીને જીવો. મૃત્યુને યાદ કરો તો ભગવાનને કેન્દ્રમાં રાખીને કરો. ભગવાનને કેન્દ્રમાં રાખો તો ભગવાન માટે તમે સ્વીકાર્ય છો કે નહીં તેની કલ્પના કરતા રહો. તમે કહો તે પ્રમાણે ચાલનારા તમને સ્વીકાર્ય હોય છે. તેમ ભગવાન કહે તે મુજબ ચાલનારા ભગવાનને સ્વીકાર્ય હોય છે. તમે કહ્યું તેનાથી ઊંધુ કરે તે તમારા માટે સ્વીકાર્ય નથી હોતા એમ ભગવાન કહે તેનાથી ઊંધુ કરે તે ભગવાન માટે અસ્વીકાર્ય હોય
*૯૩
છે. તમારે ભગવાનને સ્વીકાર્ય બનવાનું છે. તમારા હાથમાં કશું નક્કર આવ્યું નથી. તમે જન્મ્યા ત્યારે નિર્દોષ હતા. આજે નથી. તમે જન્મ્યા ત્યારે સાત્ત્વિક હતા. આજે નથી. તમે આજસુધી જિંદગીનાં નામે કેવળ ગુમાવ્યું છે. તમે માનો છો કે તમને ઘણું મળ્યું છે. હકીકતમાં તમને મળેલું બધું જ ખોટા સિક્કા જેવું છે. તમારા પૈસા પણ ખોટા સિક્કા જેવા છે. તમારે તમામ વહેવારને ભગવાનની નજરે જોવાનો છે. મર્યા પછી જે કામ નથી લાગતું તે ખોટા સિક્કા જેવું છે. મર્યા પછી કામ લાગે તેવું તમારી પાસે કશું જ નથી. ભગવાનની સામે તમે ખોટો સિક્કો પૂરવાર થઈ રહ્યા છો. ભગવાન ખોટા સિક્કાને સ્વીકારે તે ભગવાનની કરુણા છે. તમે ભગવાન સામે ખોટો સિક્કો બનીને જાઓ તે તમારી કરુણતા છે. તમે ભગવાન સામે ઊભા રહો. અને ભગવાન તમારી પાસે જવાબ માંગે આ વિભાવનામાં કલ્પના તત્ત્વ રહેલું છે. એમ છતાં આ મુદ્દો વિચારવા જેવો છે. ભગવાનની અપેક્ષાથી વિરુદ્ધ હોય તેવું તમારા દ્વારા થયા કરે તેમાં તમારો સિક્કો ખોટો પડે છે. તમે ભગવાનના શબ્દો મુજબ વર્તી શકતા ન હો તો તમારા સિક્કાની ચમક નકલી છે. તમે જે કરો છો તે દેખાવ છે, સ્વભાવ નથી. તમારે સહજ રીતે સારા અને સમજદાર બનવાનું છે. પોતાની નજરે જગતને નિહાળશો તો પામર રહેશો. ભગવાનની નજરે જગતને નિહાળશો તો સશક્ત પૂરવાર થશો. તમારી પાસે સિક્કા ઓછા હશે તો ચાલશે. તમારા સિક્કા ખોટા હશે તે નહીં જ ચાલે.
૯૪.