________________
દીવડો ધરો દીવડો ધરો
ઝૂપડપટ્ટીમાં એકલા ડોસીમા રહે છે. એક ભાઈ એ ડોસીમાનાં ઝૂંપડે ગયા. ડોસીમાને એક નવી સાડી આપીને કહ્યું “મા, બીજું કાંઈ જોઈએ ?' એ ડોસીમાએ ઝાંખી આંખે એ ભાઈને જોયા. બોલ્યા, “બેટા તું શું બોલ્યો, ફરીવાર બોલ.' એ ભાઈ કહે : ““મા, બીજું કાંઈ જોઈએ ?' ડોસીમા રડી પડ્યા. એ ભાઈએ રડવાનું કારણ પૂછ્યું. ડોસીમા કહે : “બેટા, આઠ વરસથી આ ઝૂંપડીમાં એકલી રહું છું. મને મા કહેનારી તું આઠ વરસમાં પહેલો મળ્યો. મારો દીકરો આવ્યો હોય એવો આનંદ મને થયો.’ એ ભાઈ આ સાંભળીને ગળગળા થઈ ગયા. એમણે ડોસીમાને બીજી સાડી આપી. ડોસીમાએ એ સાડી ના લીધી. ભાઈએ આગ્રહ કર્યો તો ડોસીમાએ બમણા જોશથી ના પાડી. ભાઈએ નારાજગી સાથે કહ્યું કે “તમે ના પાડો છો તો મને દુઃખ થાય છે.' ડોસીમાએ સામો જવાબ આપ્યો. એ જવાબમાં ગરીબી ન હોતી. એ જવાબમાં અબજોપતિ મહિલાનો રણકાર હતો. ડોસીમાએ કહ્યું : “મને આપેલી સાડી પાંચ વરસ ચાલશે. આ બીજી સાડી પેલી ઝૂંપડીમાં રહે છે તે કાકીને આપો. એમને મારા કરતાં વધારે તકલીફ છે. મારી પાસે સાડી પડી રહેશે. એમને એ સાડી મળશે તો એ સુખી થશે.' પોતાને મળી રહેલી મફતની સાડી ન લેનારા ડોસીમાં મહાનું કે મફતના ભાવે સેલમાં મળતી સાડી લેવા પડાપડી કરનારા શ્રીમતીજીઓ મહાનું?
(૨) રેલ્વે સ્ટેશન પર ટ્રેઈન ઊભી રહી. બારી પાસે નાનો છોકરો ભીખ માંગવા લાગ્યો. બારી પાસે બેસેલા અંકલે છોકરાને ચાર પાંચ સફરજન આપ્યા. છોકરો તો રાજી રાજી થઈ ગયો. એ ભાગતો ભાગતો સ્ટેશનના છેવાડે બેસેલા ભીખારી પાસે ગયો. સફરજન એને આપી દીધા. અંકલે જોયું. એ
છોકરો બીજા ડબ્બા પાસે ભીખ માંગતો હતો. અંકલે એને બોલાવીને પૂછ્યું ‘સફરજન પેલા ભીખારીને કેમ આપી દીધા. તારે નથી ખાવા ?' છોકરો ચબરાક હતો. તે તરત બોલ્યો “એ ભાઈને મેં સફરજન આપી દીધા. મારે નથી ખાવા.' એ ભાઈ આંધળા છે. તેમને દેખાતું નથી. એમને કોઈ સફરજન આપતું નથી. મેં મારા સફરજન એમને આપી દીધા. એ ખુશ થશે.” અંકલે પૂછ્યું “એ આંધળાભાઈ તારા શું થાય ?” છોકરાએ કહ્યું “એ મારા સગા નથી. અમે સાથે ભીખ માંગીએ છીએ એટલું જ.'
સાથે ભીખ માંગનારા ભીખારીને એકબીજાનાં દુ:ખની સમજ પડે છે અને સાથે ઘરમાં રહેનારા કુટુંબના સભ્યોને એકબીજાના દુઃખની કશી ખબર પડતી નથી. ગરીબ કોણ ? ભીખારી કે કહેવાતા શ્રીમંતો ?
(૩). રોજ ચાની કૅન્ટિન પાસે ગાડી ઊભી રહે. શેઠ ઉતરે. ચા પીએ. પૈસા ચૂકવી સામેની હૉટેલમાં જતા રહે. એક દિવસ શેઠનું પૈસાનું પાકીટ ખોવાઈ ગયું. શેઠ યાદ કરે છે કે પાકીટ ક્યાં પડ્યું હશે ? તે જ વખતે રૂમના દરવાજે ટકોરા વાગ્યા. શેઠે દરવાજો ખોલ્યો. કેન્ટિનવાળો નાનો છોકરો પાકીટ લઈને આવેલો. એ છોકરો કહે, ‘તમે ગાડીમાંથી ઉતર્યા ત્યારે પાકીટ પડી ગયેલું. મારા શેઠ જોઈ લે તો રાખી લે. તમે મારા શેઠને કહેતા નહીં. તમારું પાકીટ તમે રાખી લો. મારે જવું છે.” શેઠે એ છોકરાને ૫૦ રૂા. ની નોટ આપી, છોકરાએ લેવાની ના પાડી. શેઠે પૂછ્યું, ‘કેમ નથી લેતો ?’ એ નાનકડો છોકરો કહે : “મારા દાદીમાએ કહ્યું છે કે પસીનો પાડ્યા વિનાના પૈસા લઈએ તો પાપ લાગે.’ આ પૈસા માટે મેં પસીનો નથી પાડ્યો. તમારા પસીનાના પૈસા તમે રાખો. મારાથી એ લેવાય નહીં.' નાની ઉંમરે મોટી મજાની વાત કરનારા આ છોટે બહાદુરની સામે આજના અનીતિખોર રાજકારણીઓ કેટલા વામણા લાગે છે ?
૩૮ છે