________________
દ્રૌપદી અને સીતા
આપદાઓને હસતા મોઢે વેઠી લેવાની વાતો કરવી સહેલી છે. ખરેખર આપદા આવે ત્યારે ભલભલા માણસોના પગ ઢીલા પડી જાય છે. આપદા કહેતાં તકલીફ આવે તે વખતે મનમાં તકલીફ આપનાર માટે ફરિયાદ જાગે છે. પોતાના હાથે એ તકલીફ સામે લડત શરૂ થાય છે. એ તકલીફમાંથી બચાવનારો કોઈ મળી જાય તો એ ભગવાન જેવો લાગે છે.
વ્યાસજીનાં મહાભારતમાં દ્રૌપદીની કથા છે. વાલ્મિકીનાં રામાયણમાં સીતાની કથા છે. આ મહાસતીઓ અભૂતપૂર્વ કટોકટીમાં મૂકાય છે. દ્રૌપદીને હેરાન કરનારા છે કૌરવો. સીતાને હેરાન કરે છે રાવણ. બંને પોતપોતાની રીતે સહીસલામત બહાર આવી ગઈ તે બધા જાણે છે. આ બે મહાસતીને અબળા માનીને ભૂલી શકાય નહીં. એમણે કટોકટીનો સામનો કર્યો તેમાંથી કોઈક મૅસૅજ મળે છે. આપણને તકલીફ આપનાર પોતાની સજ્જનતા ચૂકી રહ્યો છે તે નક્કી છે. આપણું અપમાન થાય કે આપણને અન્યાય થાય તેમાં ચોક્કસ વ્યક્તિની તુચ્છ ચાલાકી કામ કરે છે. આપણે વિટંબણામાં પડ્યા. આપણને તકલીફમાં મૂકનાર એ વ્યક્તિ નજર સમક્ષ આવી. કુદરતી પ્રતિભાવ એ જ છે કે આપણે તે વ્યક્તિ પર ઝનૂનથી તૂટી પડીએ. દ્રૌપદીએ વસ્ત્રાહરણ વખતે કૌરવોને ટનબંધ ગાળો આપી છે, કૌરવો, ભીષ્મ, દ્રૌણ અને કર્ણ તો ઠીક, પાંચ પાંડવો પણ દ્રૌપદીના આક્રોશનો ભોગ બન્યા. સીતાના કિસ્સામાં આવું રાવણ સામે થયું. રાવણ અને અશોકવનની રાક્ષસીઓ સામે સીતાએ તીવ્ર અણગમો વ્યક્ત કર્યો હતો. બંનેએ આપદા લાવનારાને વખોડ્યા. બંનેએ આપદામાંથી બહાર નીકળવા મથામણ કરી. બંને પોતપોતાના દુશ્મનોને સતત ધુત્કારતા રહ્યા. પરિણામની દૃષ્ટિએ વિચારીએ તો દ્રૌપદી કે સીતાનો આક્રોશ વિપરીત પરિસ્થિતિને બદલી ના શક્યો. કૃષ્ણ આવ્યા પછી દ્રૌપદીજી બચ્યા. રામ આવ્યા પછી જ સીતાજી મુક્ત થયા.
94
દ્રૌપદી અને સીતા તકલીફમાં મૂકાયા. પોતે કશું ના કરી શક્યા. એમને બચાવનાર કોઈક હતું તે આવ્યા પછી જ બચ્યા. દ્રૌપદી કે સીતાનો સ્વતંત્ર પ્રતિકાર કામ લાગ્યો નથી.
આજની દ્રૌપદીઓ અને સીતાઓ સ્વતંત્ર પ્રતિકાર કરે છે. સાસુ સાથે ઝઘડે છે, સસરા સામે તુમાખી રાખે છે, પોતાના પતિદેવ પર વર્ચસ્વ જમાવે છે, ઘરમાં એકહથ્થુ સત્તા રાખે છે, પોતાને દુઃખ ન પડે, પોતાને પરાધીન થવું ના પડે તેની માટે આવો સ્વતંત્ર પ્રતિકાર થાય છે. પરિણામ શું આવે છે ? ઘરમાં સંબંધો વિક્ષિપ્ત થાય છે. મા અને દીકરો-દ્રૌપદી કે સીતાના મુદ્દે ઝઘડે છે. જૂના જમાનામાં રામે, સીતા માટે રાવણ સાથે લડાઈ કરી. આજનો રામ સીતા માટે સગી મા સાથે લડે છે. આખું ચક્કર ફેરવાઈ ગયું છે.
દરેક નારી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એની ભાવના અને એની ઇચ્છા મહત્ત્વની પણ હોય છે. સવાલ કેવળ પ્રતિકારનો છે. આજની નારી પરિવારના સભ્યો સાથે સ્વતંત્ર પ્રતિકારની ભાષામાં વાત કરે તે ઠીક નથી. થોડી મોટાઈ મળતી હશે, થોડો દમામ જળવાતો હશે, પણ એ તુમાખી એક પરિવારનાં શાંત વાતાવરણને ડહોળી નાખે છે. દ્રૌપદી થાકીને ઢગલો થઈ ગઈ પછી કૃષ્ણ દ્વારા બચી. સીતાજી લંકાનાં વનમાં લાંબો વખત રહ્યા પછી રામ દ્વારા મુક્ત થયા. આપણને જે બાબત તકલીફ લાગે છે તે ઉકેલવા આપણે એકલા જ લડવા લાગીએ તેનો કશો અર્થ નથી. વાણીમાં મીઠાશ અને હૈયામાં વિશ્વાસ જીવતો રાખો. તકલીફને વ્યક્તિગત સંદર્ભથી નહીં પરંતુ કૌટુંબિક વ્યાપથી તપાસો. થોડો સમય વીતાવવો જ પડશે. થોડી ધીરજ રાખવી જ પડશે. એકલા હાથે નિર્ણય કરી શકાશે નહીં.
૬.