________________
ક્ષમાપના
એમણે મને દુઃખ આપ્યું છે. મને નારાજ કરીને તેમણે પોતાનું જ ધાર્યું કર્યું છે. મારી ફરિયાદ તેમને કેમ સમજાય? મારા મનમાં તેમની માટે લાગણી છે, સભાવ છે. મને કોઈ જ બાબતમાં તેમણે સન્માન આપ્યું નથી. મારે તો તેમની પાસેથી તકલીફો જ ભોગવવાની આવી છે. મેં કયારેય જાણી જોઈને તેમને તકલીફ આપી નથી. મેં એમને દુઃખ આપવાનું લક્ષ્ય રાખીને કદી ઉગ્રતા દાખવી નથી. મને તેમનાં દુ:ખનો વિચાર પહેલો આવે છે. એમને મારાં દુ:ખની વિચાર પહેલો આવે છે? એમને મારાં દુ:ખની ફિકર છે? એ તો પોતાની ધૂનમાં જીવે છે. મારા મનમાં બળાપો છે. મારું મન રોઈ રહ્યું છે.
મારે માફી માંગવી પડે તેવું કાંઈ જ બન્યું નથી. તેમણે જે કર્યું છે તે બધું જ માફ ન કરી શકાય એવું ઉગ્ર અને તીવ્ર છે. મારો સ્વભાવ સારો છે. એમનો સ્વભાવ વિચિત્ર છે. મારે તેમને કંઈ રીતે સમજાવવા તે જ સમજાતું નથી.
હું એમની દૃષ્ટિએ તેમના વિચાર કરી શકું. મારી વાતને મારી દૃષ્ટિએ વિચારું તો ચિત્ર અલગ હોય. મારી વાતને એમની દૃષ્ટિએ વિચારું તો ચિત્ર અલગ બને. મને દેખાય છે તે મારી દૃષ્ટિ છે. મારી દષ્ટિમાં ન આવ્યું હોય તેવું ઘણું બની શકે છે. મારી વેદનાને મેં મારી જ દૃષ્ટિએ મૂલવી છે. મારી ફરિયાદની પાછળ કેવળ મારો જ દૃષ્ટિકોણ છે. મારે દરેક ઘટનાને એમની દૃષ્ટિએ ચકાસવી જોઈએ. એમને જે સમજાતું હોય તે મને ન સમજાયું હોય. એમને ન દેખાતું હોય તે મને દેખાયું હોય, મારે વિચારવું જોઈએ.
મેં એમને દોષ આપ્યો છે. એમને સમજવાનો પ્રયાસ નથી કર્યો. મેં આરોપ કર્યો તે સાચો હોવાનું મેં માની લીધું છે. કદાચ મારી જ ભૂલ હોય ને મને ખબર ના હોય, મારી અપેક્ષાઓ વધારે પડતી હોય એટલે મને દુઃખ થતું હોય. મારી ફરિયાદ સ્વાર્થમાંથી નીપજી હોય તેવું પણ બની શકે છે. મારે સમજવાનું છે. હું સમજવાનો પ્રયાસ ન કરું તે ખોટું છે. મારે ધ્યાનપૂર્વક
સમજવાનું છે બધું.
મારી સાથે રહેનારો આદમી, મારી સામે પડે તેમાં મારી કચાશ જ કારણ બને છે. મારી આવડત ઓછી છે માટે સંબંધોમાં તનાવ આવે છે. મારે કેમ સુધારો મેળવવો તેની આત્મચિંતા હું કરું એ વ્યાજબી રહેશે. મારે તેમની સાથે લડાય નહીં, ઝઘડાય નહીં. મારે તેમને દોષિત ઠેરવવાની વૃત્તિ રાખવાની ના હોય. મારે તો અરસપરસ સંબંધ મજબૂત રહે તેમ જ વિચારવાનું હોય, નાની નાની વાતો મનમાં નોંધાય તેની અસર મનમાં હલચલ મચાવે. મનમાં જ હું હતાશા પામું કે લડાઈ કરું. સામા માણસને પ્રતિપક્ષ માનવાને બદલે પોતાનો આદમી માનું તો ફરિયાદ ના ઊભી થાય. એમના તરફથી પડતાં દુ:ખોનું કારણ શોધવું. એ દુ:ખો આપે છે તેના વ્યાજબી કારણો છે તેમ વિચારી તેમનો મનોમન બચાવ કરવો. એમને દુ:ખ આપવાનું મન થયું તે મારી લાગણીની નિષ્ફળતા છે તેમ જાતે કબૂલવું. મારે મારા મનમાં તેમની માટે કોઈ જ કચવાટે જીવતો રાખવો નથી. હું તેમને સદ્ભાવ જ આપીશ. એમણે માફી માંગવી જોઈએ તેવો વિચાર કરીને હું તેમને ગુનેગાર બનાવું તો મારો પ્રેમ સ્વાર્થી બની જાય. મારે જ તેમને માફ કરી દેવા છે, તેમ વિચારું એ સમર્પણ છે. એમણે દુ:ખ આપ્યાં તે ભલે. એમણે તકલીફ આપી તે ભલે. એમની ભૂલો પર મારી નજર નથી. મારી નજર કેવળ લાગણી તરફ છે. મારા મનમાં એમની માટે સંવેદના હોય તો મારે તેમને દોષ આપવાનો હોય જ નહીં. મારી લાગણી સાચી છે. મારો પ્રેમ સાચો છે. મારું મન પ્રામાણિક છે. હું તેમને કોઈ જ દોષ આપતો નથી. મારી કચાશને સુધારવાનો મારો સંકલ્પ છે. ક્ષમાપના.
-
૧
૭૨