________________
હું ક્ષમા માંગું છું
પ્રિય સ્વજન,
તને પત્ર લખતી વખતે મારી આંખો ભીની છે. આખું વરસ આપણે સાથે રહ્યા. તારી માટે મેં મહેનત કરી. મારી માટે તે મહેનત કરી, સાથે રહીને નિર્ણયો લીધા છે. છૂટા પડવા માટે ઝઘડ્યા નથી. નારાજગી વહોરવાનો પ્રશ્ન આવ્યો નથી. સંબંધોના પાયામાં રહેલા વિશ્વાસને જીવતો રાખ્યો છે. ખૂબ સભાન રહ્યા છીએ પરસ્પર, તારું દુ:ખ સમજીને તને સાચવ્યો છે. મારું દુઃખ તું સમજે છે તેમ માની તારા ખભે માથું મૂકી આંસુ સાર્યા છે.
જિંદગીના નાનાં મોટાં તુફાન વચ્ચે અરસપરસનો સથવારો અખંડ રાખવાની જીદ રાખી છે. લોકોના કહેવાથી તેને અન્યાય નથી કર્યો. તને ખુશ રાખવા લોકોને નારાજ કરવાની હિંમત રાખી છે. નાનપણની નિર્દોષ મૈત્રી જેવી પવિત્ર એકતા જીવંત રાખવાની છે આપણે.
જોકે, માણસ માત્ર પોતાની લાગણીથી જીવે છે. તારી દરેક લાગણીને હું સમજી શકું તેવું કેમ કરીને બને ? ઘણી વખત મને મારી જ લાગણી સમજાઈ નથી. હું તારી માટે જીવું છું અને તારી લાગણી સમજયા વિના ગમે તેવા આક્ષેપો કરી બેસું છું. તને સમજાતું નથી આ બધું. તને મારી માટે સ્નેહ છે. તું મારો રોષ જોઈને સ્તબ્ધ બની જાય છે. તને મારી પર અઢળક પ્રેમ છે. તું મારો ગુસ્સો જોઈને નિરાશ બની જાય છે. મને ગુસ્સો આવ્યો તેને લીધે તને પસ્તાવો થાય છે. તારા પર આવો માનસિક અત્યાચાર મેં સતત કર્યો છે. મારે તારી લાગણીની માવજત કરવી જોઈએ. જિંદગીના છેવાડે મોત રાહ જોઈને ઊભું છે એની સાથે મુલાકાત થશે ત્યારે આપણો સંબંધ પૂરો થઈ જવાનો છે. ત્રીસ કે ચાલીસ વરસનો જ આ સથવારો છે. આ વરસોને બગાડવા નથી. તારામાં અને મારામાં વસેલો સ્નેહસંબંધ મોતને લીધે તૂટી જવાનો છે. પછી કયારે મળીશું તેની ખબર નથી, ખાતરી નથી, અત્યારે તારી મારી દુનિયા નજીક છે. મારી વાતો તને દુ:ખી કરે તે મને મંજૂર નથી. મારો સ્વભાવ સારો નથી. તું મને
સંભાળી લે છે માટે આપણો નાતો અતૂટ છે. મારી હરદમ ઇચ્છા રહી છે કે આપણો એ સંગાથ સદાબહાર રહે.
મારો અહં, મારી અપેક્ષાઓ મને સતાવે છે. તમે પણ મારા સ્વભાવનો કાળો પડછાયો પરેશાન કરે છે. તું ખમી ખાય છે, તું મારી ભૂલો માફ કરી દે છે. તારી આ ઉદારતા જોઈને મને મારા સ્વભાવ અંગે વિશેષ દુ:ખ થાય છે. મને સમજનાર જો કોઈ હોય તો કેવળ તું જ છે. તારી સમક્ષ મેં કાંઈ કપટ કર્યું નથી. કોઈ જૂઠ ચલાવ્યું નથી. મારી તારી વચ્ચે દંભનો પડદો નથી. આપણે જયાર સુધી જીવીશું, આ દંભ વિના જ જીવીશું.
- તારી લાગણીને મારા તરફથી ખલેલ પડ્યા કરી છે. મારા તરફથી તારી સરળતાને દુ:ખ પહોંચ્યું છે. મેં તને નિરાશ કર્યો. નારાજ કર્યો. એક વાત તું લખી રાખજે તારી ડાયરીમાં.
મને તારી પર ગુસ્સો આવ્યો હશે પરંતુ ગુસ્સાનાં મૂળમાં કોઈ દ્વેષ નથી. મારા ગુસ્સામાં પ્રેમને પડઘો પડે છે. તું મારા ગુસ્સાને યાદ રાખીને દુ:ખી રહીશ મા. મારા મનમાં કોઈ ડંખ કે અસંતોષ નથી. હું અધૂરો આદમી છું. તારા સથવારે મારે આગળ વધવાનું છે. તારા સહારે મારે સારા માણસ બનવાનું છે. મારા વિચિત્ર સ્વભાવને બદલે મારા સ્નેહભાવને જોઈને તું મારી પર ખુશ રહેજે.
તને મારો આત્મા માનું છું હું, તારી માફી માંગવી તે આપણા સંબંધનું અપમાન છે અને મારી લાગણી કરતાં તારી લાગણીને વધુ મહત્ત્વ આપવું તે આપણા સંબંધનું સાચું સન્માન છે. આજના મંગલ દિવસે તારી લાગણીને સન્માનવા હું ક્ષમાયાચના કરું છું.
તારો અને મારો સંબંધ નિઃસ્વાર્થ અને નિર્દોષ અને નિર્દભ બની રહે તે માટે હું ક્ષમા માંગુ છું.