________________
સારા મિત્રો : ખરાબ મિત્રો
તમારી સાથે બેસનારો તમારો મિત્ર છે. તમે તેને તમારા મનની વાત કરી શકો છો. એ પોતાની વાત તમને કરે છે. અરસપરસનો મેળ છે. તમારી લાગણી માટે તમારી પાસે સ્પષ્ટતા નથી હોતી. તમારો મિત્ર તમારી લાગણી સ્પષ્ટ કરી આપે છે. તમારા મુદા અધૂરા હોય તો મિત્ર પૂરા કરી આપે છે. તમારી રજૂઆત કાચી હોય તો મિત્ર સુધારી આપે છે. તાળીમિત્રો હસાહસમાં કામ લાગે છે. એ મુશ્કેલીમાં હાથતાળી આપી દે છે. થાળીમિત્રો આનંદપ્રમોદમાં કામ લાગે છે. તકલીફમાં હોઈએ ત્યારે એ બીજે જમવા જતા રહે છે. તમારા મિત્રો તમારી ઓળખાણ છતી કરે છે. તમને મળેલા મિત્રોમાં તેમને બગાડે તેવા મિત્રો હશે. તમારે તેનાં લક્ષણો શોધી કાઢવાના છે. તમે ખોટી શરમમાં રહેશો તો મિત્રો તમને ખરાબ કામમાં ફસાવી દેશે. તમે સારા મિત્રને શોધજો . તમે સમજીને વહેવારમાં વર્તજો . સ્વાર્થની બાદબાકી વિના મૈત્રી પાંગરતી નથી. અહંને બાજુ પર મૂકી ન શકો તો મૈત્રી જામી ન શકે. તમારો દોસ્ત, તમારો દુશ્મન બની શકે છે માટે વરસી પડો નહીં. તમારો દોસ્ત તમારો પરિવારજન નથી માટે ઘરની બધી વાતો તેની સમક્ષ જાહેર મત કરો. તમારો મિત્ર તમારી કમજોરીને પંપાળતો હોય તે તમને ના ગમવું જોઈએ. તમારા મિત્રને તમારી કમજોરી ગમે છે તેનો અર્થ એ છે કે તે સારો માણસ નથી. તમારો મિત્ર તમારી ભૂલ માટે તમને સમજાવશે. તમારો મિત્ર તમને રોકશે અને ટોકશે. સાચો મિત્ર પરિવારની વિરોધમાં લઈ ન જાય. સાચો મિત્ર ખોટા ધંધામાં સહકાર ન આપે.
મુદ્દે, મિત્રતા વસ્તુલક્ષી નથી. મિત્રતા તો હૃદયની ભાષા છે. તમારી સમજણને સ્પર્શે તેવી વાતો કરનારો સાથીદાર તમારો મિત્ર હોઈ શકે છે. તમારી લાગણીને વાળી શકે તે ખરો મિત્ર છે. મિત્રો હા પાડવા માટે છે. મિત્ર ના પાડવા માટે છે. મિત્ર માંગતો નથી. મિત્ર આપે છે. મિત્ર મુશ્કેલીમાં સોબત આપે છે. મિત્ર માયાજાળથી દૂર રહે છે. મિત્ર માટે ઉપચાર કે વહેવાર ગૌણ
બાબત છે. મિત્ર ક્યારેય ખોટું લગાડતો નથી. મિત્ર તમારી આંખો જોઈને તમારી વેદના વાંચી શકે છે. મિત્ર પાસે રડવું પડતું નથી. મિત્ર તમારાં આંસુને પહેલેથી ઓળખી લે છે. મિત્ર ગુસ્સો કરે છે તો ગમે છે. મિત્ર ગુસ્સો કરતી વખતે ભીતરમાં વલોવાય છે. મિત્રો નારાજગી બતાવીને તમને સમજાવે છે. મિત્ર પાસે માતાની મમતા નથી હોતી. બબ્બે માતાનું મન હોય છે. મિત્ર આરપાર સમજી શકે છે. બધું જ, મિત્ર વિના ચાલી શકે છે. અને છતાં મિત્ર વિના બધું જ અધૂરું લાગે છે.
મિત્ર સમજદાર હોય. મિત્ર માહિતગાર હોય, મિત્ર ઉદાર હોય. મિત્ર તમે છો તો તમારે સારા માણસ બનવું. મિત્ર તમારો છે તો તેને સારો માણસ બનાવવો. મિત્રને સારો બનાવીને જંપે તે મિત્ર. મિત્રને ખરાબ બનાવીને જંપે તે દુમન.
તમારે મિત્ર બનવાનું છે, દુશ્મન નહીં. તમારે મિત્ર રાખવાના છે, દુશ્મન નહીં.
૬૮ •