________________
તપસ્યા
શરીર અને પૈસાની સરખામણી શકય નથી. શરીર જન્મજાત મળે છે. પૈસા વારસામાં મળે છે. શરીરની કમાણી નથી અને પૈસાને નહાવા ધોવાનું નથી. છતાં શરીર અને પૈસાની તુલના થવી જોઈએ. પૈસા દ્વારા ખરાબ કામ થાય તો પૈસા વેડફાયો કહેવાય. શરીર દ્વારા ખરાબ કામ થયું તો શરીર વેડફાયું તેમ કહેવાય. પૈસા દ્વારા સારું કામ થયું તો પૈસો લેખે લાગ્યો તેમ કહેવાય. શરીર દ્વારા સારું કામ થયું તો શરીર લેખે લાગ્યું તેમ કહેવાય. તપસ્યા એ શરીરનો સર્વશ્રેષ્ઠ સદ્ ઉપયોગ છે.
શરીરનું નિર્માણ કરનારી પ્રથમ ક્ષણ અપવિત્ર હોય છે. શરીરની ભીતરમાં દિવસરાત ગંદકી ખદબદે છે. આ શરીર માંદુ પડે છે તો દવાઓ ખાવી પડે છે. આ શરીર પસીને ખરડાય છે. સાબુ ઘસીને કપડાની જેમ તેને ધોવું પડે છે. આ શરીરમાં પેટ્રોલ પૂરો નહીં તો પગ ઢીલા પડી જાય છે. શરીર, સતત પાપ કરાવે છે. આ શરીર દ્વારા થનારાં પાપોની સામે પુણ્યનું બળ ઊભું કરવાનું છે. મજાની વાત છે. શરીર પુણ્ય બંધાવી શકે છે. શરીર પાપ બંધાવી શકે છે. વધારે પડતું ખાધુ અને પેટ તંગ થઈ ગયું તો ઊંઘ ચડી છે. સામે પક્ષે કશું ન ખાધું તો પેટ ખાલી થયું છે અને થાક લાગ્યો છે, ઊંઘ ચડી છે. શરીર તો ખાઈને પણ થાકે છે. શરીરને પંપાળશું તો તે વધારે થાકશે. શરીરને દાદાગીરીપૂર્વક કામે લગાડવું જોઈએ.
આશ્ચર્યની વાત એ છે કે શરીરને તમે કેળવો તો તે ઘણાં કષ્ટો ખમી શકે છે. શરીર હંમેશા મનના આદેશ પ્રમાણે જ વર્તે છે. મનને મજબૂત રાખશો તો શરીર ધીમે ધીમે સહયોગ આપવા લાગશે. શ્રી મહાવીર સ્વામી ભગવાને દીક્ષા લીધા પછી 100 થી વધુ દિવસો સુધી સાધના કરી તેમાં ઉપવાસના દિવસો ૩૬00 થી વધુ હતા. ભગવાને બાર વરસ સુધી તપસ્યા કરી. ઉપવાસ પર કેન્દ્રિત થઈને સાધના કરી. આપણે ધર્મ કર્યો હશે. આપણે ઉપવાસ પર કેન્દ્રિત
થયા નથી. આપણે તો સંસાર અને શરીર પર કેન્દ્રિત રહીએ છીએ. આપણું શરીર આપણા સંસારનું પ્રતિનિધિ છે. જે શરીરને મહત્ત્વ આપે છે તે સંસારનાં પરિભ્રમણને જ મહત્ત્વ આપે છે. ખાવા પીવાના વિચારો, ખાવાપીવાની તૈયારી અને ખાવાપીવાનો આનંદ આપણા આત્માના મૂળ સ્વભાવને ઢાંકી રાખે છે. ખાવાપીવાની વિચારણાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું તો શક્ય નથી. તમે જેટલે અંશે આ વિચારણાઓને રોકી શકશો એટલે અંશે આત્મચેતનાનો ઉઘાડ થશે. તપસ્યા દ્વારા આહારનું આકર્ષણ ઘટે તે ભાવના રાખવાની છે. તમારો આહાર તમારાં શરીરને ચલાવતો હશે, તમારો આહારપરિહાર પણ શરીરને ચલાવે છે.
પાચનતંત્રને આરામની જરૂર હોય છે. તપસ્યા આરામ આપે છે. સ્કૂલોમાં વિકૅશન પડે છે તે જરૂરી હોય છે એમ તપસ્યા દ્વારા શરીરને વૈકૅશન મળે તે જરૂરી હોય છે.
ઉપવાસ અને બીજી તપસ્યાઓ આહાર અને શરીરને ભૂલવાનું લક્ષ્ય રાખીને કરીએ તો, ભૂલાયેલો આત્મા યાદ આવે છે.
પ૮