________________
ભગવાન પાસે બેસો છો ?
સવારનો સમય છે. મંદિરમાં પ્રભુમૂર્તિ સમક્ષ તમે ઊભા છો. પાછળ ઘંટનાદ થાય છે. ધૂપની ધૂમ્રસેરની સુવાસ મહોરી રહી છે. પ્રાર્થના અને સ્તુતિના શબ્દો સંભળાય છે. નજર મૂર્તિ પર સ્થિર છે. બધું જ સાવ ભૂલી જવાય છે.
શરીરમાં હોવાની સભાનતા ખરી પડે છે. મોભો અને મોટાઈના ખ્યાલ પાછળ રહી જાય છે. ભગવાન કેવળ ભગવાન તરીકે જ દેખાય છે. ભગવાન પાસે માંગવાનું યાદ નથી આવતું. ભગવાન પાસે માંગતી વખતે બોટાદકરના શબ્દો યાદ આવે.
કદી માગું તોયે વગર અધિકારે નવ મળે.
વિના માગ્યું વ્હાલા ! અધિકૃતિ થતા સત્વર જડે.
માંગવાનો હક નથી. કયાં મોઢે માંગવાનું ?ભગવાન પાસે ઊભા રહેવાની પણ યોગ્યતા નથી. મારા પાપોનો પડછાયો મારી માંગણીમાં પડે છે. ભગવાન પાસે પૈસા માંગું, દુનિયાદારીની સફળતા માંગું, સોદાબાજીમાં ફાયદો માંગું. મારો સ્વાર્થ સાધવા પ્રભુનો ઉપયોગ કરું, મારી અપેક્ષાને પૂરી કરવા ભગવાનને હાથો બનાવું. ભગવાન મારા કપટને ઓળખે છે. ભગવાન ઠપકો નથી આપતા. ભગવાન તો દુશ્મનને પણ આશીર્વાદ આપે છે. ભગવાને આજ સુધી આપણને ભરપૂર આપ્યું છે. ભગવાન પાસેથી જે મળ્યું તેનો આભાર માંગવાને બદલે ભગવાન પાસે નવી ભીખ માંગી છે. ભગવાન મારી લાલચને જોઈ શકે છે. ભગવાન કરુણામય છે. ભગવાન નારાજ થતા નથી. મારે ભગવાનની દૃષ્ટિ સમજીને બોલવું જોઈએ. ભગવાનનું મંદિર દુનિયાથી અલગ છે. ભગવાન દુનિયાની ઝંઝટને સ્વાર્થી અને અશાંતિમય માને છે. હું ભગવાન પાસે માંગું છું તો સ્વાર્થ અને અશાંતિ માગું છું. મને ભગવાન પાસે આવીને મારું જગત ભૂલતા નથી આવડતું. હું મંદિરમાં આવતા પહેલા ચપ્પલ બહાર ઉતારું છું, પણ સંસાર બહાર ઊતારતો નથી. સંસાર લઈને ભગવાન સામે
34
આવું. ભગવાને પોતાના સ્વાર્થને કચારેય મહત્ત્વ આપ્યું નથી. હું ભગવાનને મહત્ત્વ આપવાને બદલે મારા સ્વાર્થને મહત્ત્વ આપું છું. ભગવાન અને કૃપા મહત્ત્વની નથી, મારો સ્વાર્થ સધાય તે મહત્ત્વનું છે. મારી નજર ભગવાન સામે નથી. મારી નજર મારાં સુખ સામે છે.
મારે ભગવાન સામે જોતા શીખવું જોઈએ. મારા ભગવાનની મૂર્તિ સુંદર મુખમુદ્રા મનોહર છે. ભગવાનની આંખોમાં તેજ છે. નિર્દોષતા અને નિર્મળતા છે. ભગવાનનાં હાસ્યમાં સાત્ત્વિકતા છે. ભગવાન પાસે બેસીને એકાગ્ર બનું. આંખો સ્થિરભાવે પ્રભુને જોયા કરે. પ્રભુની મુખરેખા જીવંત છે તેવી અનુભૂતિ પામું. પ્રભુના હોઠો હમણાં બોલી ઉઠશે તેવી ઉત્સુકતા અનુભવું. પ્રભુ મારી વાત સાંભળી રહ્યાં છે એવો સાક્ષાાવ પામું. પ્રભુ મારા આત્માને સંભાળી લેશે તેવી શ્રદ્ધા બાંધું.
પ્રભુ પાસે રોજ જઉં છું. મારા સમયનો એક ખૂણો પ્રભુ સાથે જોડાયો હોય છે. પ્રભુને મારી રજેરજ ખબર છે. પ્રભુ સમક્ષ હું રડું છું. પ્રભુ સમક્ષ હું કાકલૂદી કરું છું. પ્રભુ સિવાય તમામ વિચારો વિસારે પડે છે. પ્રભુ જ મારી દુનિયા. પ્રભુ જ સ્વાર્થ. પ્રભુ જ મારું સુખ.
પ્રભુ પાસે મને બેસતાં આવડે તો પ્રભુ મારાં હૈયામાં બેસે.
૩૬ •