________________
પ્રભુને નિવેદન
પ્રભુ મારા મૃત્યુની ક્ષણે તું મારી સાથે રહેજે. મને મરવાનો ડર નથી. તું મળી ગયો છે એનો પરમ સંતોષ છે મને. મારાં મરણ વખતે મારે મારા પૈસા છોડી દેવા પડશે, ઘર અને પરિવાર છોડી દેવા પડશે. મારું શરીર પણ મારે ગુમાવી દેવાનું છે. મારી આખી જિંદગીને, જિંદગીભરની મહેનતને છોડી મૂકીને મારે જતા રહેવું પડશે, મને એની ખાસ ફરિયાદ નથી. મારે તને છોડીને જતા રહેવાનું છે તેનો મને ઘણો રંજ છે. બીજે જન્મ થશે ત્યાં પુણ્ય હશે તેવું સ્થાન મળશે. મને પરવા નથી. સારી જગ્યા મળશે નહીં તો ચાલી જશે. મને ફિકર કેવળ એટલી જ છે કે એ પરલોકમાં તારો ભેટો મને થશે નહીં તો મારું શું થશે ? અત્યારે તો મને તારી આદત થઈ ગઈ છે. તારી પૂજા વિના મને ખાવાનું ભાવતું નથી. તારાં દર્શન વિના મારી સવાર અધૂરી લાગે છે. તારી આરતીના સોનેરી તેજ વિનાની સાંજ મને ગમતી નથી. તું મારા જીવનનો હિસ્સો બની ગયો છે. તારા શબ્દોએ મને સમજણ આપી છે. તારી હાજરી નથી તેનો ખાલીપો તારી વાણી દ્વારા ભૂંસાયો છે. મારા માનસિક સંતાપોને તારી મૂર્તિનાં મનોહર સ્મિત દ્વારા હું ભૂલી શકું છું. મારી દુનિયાદારી નિષ્ફળતાના સમયમાં તારા મંદિરના ખોળે બેસીને બેહદ નિરાંત અનુભવી છે. તારો સાથ મારા જેવા પામર માણસની મોઘેરી મૂડી છે. મરવાની ઘડી આવે ત્યારે હું હૉસ્પિટલમાં હોઈશ કે રોડ ઍક્સીડન્ટમાં જખમી થયેલો હોઈશ કે ઘરની ભીંતો વચ્ચે ભીંસાતો હોઈશ કે બીજી હાલતમાં બેહાલ હોઈશ. શું થયું હશે તેની મને કલ્પના નથી. એ ક્ષણોએ શ્વાસ લેવાતો નહીં હોય. હૃદય ધબકવામાં થાકતું હશે. મગજ વિચારી શકતું નહીં હોય. આંખો પર સફેદ અંધકાર પથરાતો હશે. આ વખતે મારે તમારો સથવારો જોઈશે, મારા નાથ. મેં તમારી માટે કાંઈ કર્યું નથી. મેં તમારી ભક્તિ કરી છે તેથી વધુ અવજ્ઞા કરી છે. હું તમારો ભક્ત ગણાવાને લાયક નથી. મારી જિંદગીને વેરણ છેરણ કરી નાંખવામાં મારા
મનહૂસ સ્વભાવે જ ભાગ ભજવ્યો છે. મને મરવાના સમયે મારો સ્વભાવ નડી જશે તેની બીક લાગે છે. મારાં મરણ અને મારા સ્વભાવની ટક્કર થશે ત્યારે મારું મરણ જખમી બનીને બગડી જશે. મારા ભગવાન, મારી તમને વિનંતી છે. કે મરવાની ઘડીએ મારા સ્વભાવને તો તારા કાબૂમાં રાખજે. મારા મનમાં ઉઠતા વિચારો, મારા દિલમાં ઉઠતી લાગણી, મારા ભાવનાતંત્રમાંથી જાગતો અવાજ આ બધું જ ભગવાન તારી સાથે એકરાગ હોય તેવી મારી ઝંખના છે. મને ખબર છે કે છેલ્લી ઘડીએ જેને ભગવાન મળે તેને જનમોજનમ ભગવાન મળે છે. છેલ્લી ઘડીએ પ્રભુથી વિખૂટા રહે તેને પ્રભુ કદાપિ ફરી મળતા નથી. તમારાથી જુદા થવાની આખરી ઘડીએ હું આંખમાં આંસુ ભરીને તમારી માફી માંગીશ, હું પ્રાર્થના કરીશ કે આવતા ભવમાં મને નાનપણથી પ્રભુ મળે. હું વિનંતી કરીશ કે પ્રભુ મને આગામી જન્મારામાં પહેલેથી પોતાની નજીક રાખે.
મને પ્રભુની વિદાય લેવાનું નહીં ગમે. મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ રણકાવું છું હું. મારા કાનમાં એ કલાકો સુધી ગુંજે છે. મરવાની ઘડીએ તારાથી દૂર જવાનું હશે, પ્રભુ. તું તારા હાથે છેલ્લી વખત તારા પ્રેમનો રણકાર સંભળાવજે, મને મરવાનું દુ:ખ નથી. મને તારાથી દૂર જવું પડશે તેનું દુ:ખ છે. મર્યા પછી હું ક્યાં જઈશ તેની મને ખબર નથી. મને કેવળ એટલી ખબર છે કે મારો નવો અવતાર જયાં થાય ત્યાં મારા ભગવાને મારો હાથ પકડવાનો છે. મારા વિના પ્રભુનું અટકવાનું નથી. પ્રભુ વિના મારું અવશ્ય અટકવાનું છે. મારા પર પ્રભુને વિશ્વાસ હોય, મારી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા જો સાચી હોય તો મને આવતા જન્મમાં પ્રભુ ફરીવાર મળવા જોઈએ.
મળશોને પ્રભુ ?
- 33
૩૪ છે