________________
પરમાત્માને પ્રેમપત્ર
સરનામું નથી તકલીફ છે. બાકી રોજ લખવા જેવો છે પરમાત્માને પ્રેમપત્ર. આજકાલ ગ્રીટીંગની દુકાનો ખૂબ ચાલે છે. હવે તો ગુરુપૂર્ણિમાનાં ગ્રીટીંગ પણ મળે છે. પ્રભુને આપી શકાય તેવું કાર્ડ વેચનારી દુકાન ખૂલી નથી. પ્રભુને પહોંચાડે તેવો ટપાલી નથી મળ્યો. પ્રભુની કૃપાથી જિંદગી સરસ ચાલી. રહી છે. પ્રભુએ આપણને બધું આપ્યું છે. આપણે પ્રભુને કશું નથી આપ્યું. પ્રભુ તો વરસે છે વાદળ બનીને. આપણે ભીખારીની જેમ માંગતા રહ્યા, લેતા રહ્યા. મોર બનીને કદી ના ભીંજાયા. ચાતક પંખી જેવી એકાંગી ભક્તિ ના કરી શક્યા. પ્રભુ દુનિયાના રાજરાજેશ્વર છે. બધાં સુખો તેમની પાસે છે. પરિપૂર્ણ જ્ઞાનચેતનાના એ સ્વામી છે. આપણે પ્રભુને કાગળ લખવો છે. રમેશ પારેખ તો પ્રભુને કાગળ લખવા વિનંતી કરે છે. શબ્દો મજાના છે.
અવર બીજા કોઈના અક્ષર નથી ઉકલતા મને
કે કાગળ હરિ લખે તો બને પ્રભુએ આખી જિંદગી લખી છે. પ્રભુએ આપણાં દરેક સુખ પર હસ્તાક્ષર અંકિત કર્યા છે. આપણા સંતોષ પર પ્રભુનો હાથ છે. આપણી શાંતિ પ્રભુનું સર્જન છે. પ્રભુ શું કામ લખે ? પ્રભુએ તો સોના જેવી જિંદગી લખીને આપી જ દીધી છે. આપણે પ્રભુને લખવું જોઈએ, ફેક્સ કે એસ. એમ. એસ. નહીં ચાલે. લાંબો કાગળ લખવાનો.
પ્રેમપત્રમાં સામી વ્યક્તિને યાદ કરીએ છીએ તેવાં વાક્યો અવશ્ય હોય છે. પ્રભુને લખવાનું : પ્રભુ વિના ગમતું નથી, પ્રભુનો પ્રસન્ન ચહેરો સતત નજર સમક્ષ રહે છે, મંદિરમાં બેસીને પ્રભુ સાથે ગાળેલો સમય સતત યાદ આવે છે. પ્રભુ પાસેથી હૂંફ અને હિંમત મળ્યા છે એવી કબૂલાત કરવાની. પ્રભુ વિના તો
જિંદગી ખાલીખમ છે તેવા એકરાર કરવાનો.
પ્રભુ સાથે નથી તો કેટલી બધી તકલીફો પડે છે. પ્રભુજી પાસેથી હજી કેટલી ભાવનાત્મક અપેક્ષા છે તે બધું લંબાણથી લખવાનું. પ્રેમપત્ર વાંચનારને પ્રેમપત્રમાં મજા આવે કે નહીં તે નક્કી ન કહેવાય. પ્રેમપત્ર લખનારને તો પુષ્કળ મજા આવે છે. પ્રેમપત્રની લીટીએ લીટીમાં એ ખોવાઈ જાય છે.
પ્રભુમાં ખોવાઈ જવાનું. પ્રભુનાં નામે અક્ષરો અને પ્રભુનાં નામે રજૂઆત. પ્રભુ પર હક રાખવાનો. પ્રભુ સાથે ઝઘડો માંડવાનો. પ્રભુને લખતા લખતા રડી પડવાનું. થોડાં વાક્યો એવા ગોઠવવાના જે વાંચવાથી પ્રભુને પણ હસવું આવી જાય.
પ્રભુને પ્રેમપત્ર લખીને હાંસિલ શું થાય છે? પ્રભુ આપણાં સુખોનું મૂળ છે તેવી ભાવના ઘડાય છે પ્રભુના સહાયક સ્વભાવની અસરતળે વિચારવાથી સ્વાર્થભાવના ઘટે છે. પોતાનાં દુ:ખ પ્રભુને જણાવ્યા છે માટે બીજાને દુઃખ આપવાની હિંમત ચાલતી નથી. પ્રભુ પાસે પાપો કબૂલ્યાં છે માટે પાપો ફરીવાર કરવાના હોય તો શરમ આવે છે.
પ્રભુને પત્ર લખવાની આ આખી વાત તદ્દન જ કાલ્પનિક છે. પરંતુ મીરાંબાઈ કે શ્રી આનંદઘનજી મહારાજા પ્રભુનાં નામનો પુકાર કરીને દિલની વાતો જાહેર કરી શકે છે તેની જેમ આપણાં મનને પ્રભુ સામે ખોલવાની ભાવના અદ્ભુત આનંદ આપે છે.
પ્રેમપત્ર એ અંતરાત્માનું સમર્પણ છે. પ્રેમપત્ર એ સંવેદનાનું આવેદન છે. પ્રભુને પ્રેમપત્ર લખો. પ્રભુ પાસે જઈને એ કાગળ ફરીથી વાંચો. એ કાગળ વાંચવામાં એકાંતની જરૂર પડશે. નિરાંતે બેસવાની ફરજ પડશે. એ કાગળ લખવામાં પોતાની જાત માટે નવેસરથી વિચારવું પડશે. પ્રભુને શું ગમે અને શું ન ગમે એની સુરેખ કલ્પના કરવી પડશે. પ્રભુ સાથે વાતો કરવાની જવાબદારીનો સાચો ખ્યાલ આવશે. પ્રભુ એ કેવળ મૂર્તિ નથી બલ્બ મૂર્તિમાં વસેલો જીવંત આધાર છે તે સમજાશે. પ્રભુની ભક્તિ નક્કર બની જશે.
39
૩૮ છે.