________________
૪૦
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૨૦
કે શ્રુતથી સહિત માનસિક ચિંતન શ્રુતજ્ઞાન છે. શ્રુતકેવળી જ્યારે શ્રુતજ્ઞાનથી જાણેલા પદાર્થોનું ચિંતન શ્રુતગ્રંથોની સહાય વિના કરે ત્યારે તે મતિજ્ઞાન છે અને શ્રુતગ્રંથોની સહાયથી કરે ત્યારે તે શ્રુતજ્ઞાન છે. (આ અધ્યાયના ૨૭મા સૂત્રની ભાષ્યટીકા જુઓ.) તે પ્રમાણે સામાન્ય જીવોનું ચિંતન શબ્દાદિ રહિત હોય તો તે મતિજ્ઞાન છે, અને શબ્દાદિ સહિત હોય તો તે શ્રુતજ્ઞાન છે.
પ્રશ્ન— ઘટને જોતાંની સાથે જ આ ઘટ છે એમ બોધ થઇ જાય છે, આથી મતિ અને શ્રુત એ બંને સાથે જ ઉત્પન્ન થતા હોય એમ લાગે છે, જ્યારે અહીં પ્રથમ મતિ અને પછી શ્રુત થાય એમ કહ્યું છે, તો આમાં રહસ્ય શું છે ?
ઉત્તર– મતિ અને શ્રુત ક્રમશઃ જ પ્રવર્તે છે. છતાં બંને એટલી ઝડપથી પ્રવર્તે છે કે જેથી આપણને એમ જ થાય છે કે બંને સાથે જ પ્રવર્તે છે. આપણને આંખ સામે ઘડો આવતાંની સાથે જ આ ઘટ છે એવો ખ્યાલ આવે છે. પણ
આ વસ્તુ છે, એ ઘટ કહેવાય એમ જુદો બોધ થાય છે એવો ખ્યાલ નથી આવતો. આનું કારણ જ્ઞાનની ગતિની શીઘ્રતા છે. કમળના સો પાંદડાની થપ્પી કરીને ઝડપથી છેદવામાં આવે તો ક્રમશઃ એક એક પાંદડાનો છેદ થયો હોવા છતાં બધાં પાંદડાં એકી સાથે છેદાઇ ગયાં એમ લાગે છે.
મતિ અને શ્રુત એ બે જ્ઞાન એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવોને હોય છે. જેમ કે કીડી, કીડીને સાકરની ગંધના અણુઓની સાથે ઘ્રાણેન્દ્રિયનો સંબંધ થતાં ‘અહીં કંઇક છે' એમ સ્થૂલ મતિજ્ઞાન થાય છે. પછી તેને ‘આ વસ્તુ મારે ખાવા લાયક છે' એવું જ્ઞાન તુરત થઇ જાય છે. યદ્યપિ તેને શબ્દોનું જ્ઞાન નથી તથા આ વસ્તુ ખાવા લાયક છે એમ કોઇએ કહ્યું નથી, છતાં પૂર્વભવમાં થયેલ તથાપ્રકારના શ્રુતના બળે ‘આ મારે ખાવા લાયક છે' એવું શ્રુતજ્ઞાન થાય છે. પછી તે તુરત સાકરના ટુકડા તરફ જાય છે અને તેના ઉપર ચોટે છે. જો કીડીને મતિ-શ્રુત જ્ઞાન ન હોય તો તે આ પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે નહિ. એ જ પ્રમાણે અન્ય જીવો વિષે પણ જાણવું. હા, એટલું છે કે— જેમ જેમ ઇન્દ્રિયો ઓછી તેમ તેમ મતિ-શ્રુત સૂક્ષ્મરૂપે હોય છે. પંચેન્દ્રિયનાં મતિ-શ્રુતની અપેક્ષાએ ચઉરિન્દ્રિય જીવનાં મતિ-શ્રુત સૂક્ષ્મ હોય છે. ચરિન્દ્રિયની અપેક્ષાએ તેઇન્દ્રિયના મતિ-શ્રુત વધારે સૂક્ષ્મ હોય છે. એકેન્દ્રિયનાં મતિ-શ્રુત સૌથી વધારે સૂક્ષ્મ હોય છે.