________________
અ૦ ૧ સૂ૦ ૧૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૩
ઉત્પલશતપત્રભેદની જેમ અતિશીઘ્રતાથી પ્રવર્તતા હોવાથી, આપણને તેનો ખ્યાલ નથી આવતો. એથી જાણે સીધો અપાય જ થાય છે એમ લાગે છે. અપાય બાદ ધારણા થાય છે. ધારણાના અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદો છે.
અવિચ્યુતિ=નિર્ણય થયા બાદ તે વસ્તુનો ઉપયોગ ટકી રહે તે અવિચ્યુતિ ધારણા. વાસના=અવિચ્યુતિ ધારણાથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ જ વાસના ધારણા. સ્મૃતિ=આત્મામાં પડેલા જ્ઞાનના સંસ્કારો નિમિત્ત મળતા જાગૃત બને છે. એથી આપણે પૂર્વાનુભૂત વસ્તુને કે પ્રસંગને યાદ કરી શકીએ છીએ. પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ તે સ્મૃતિ ધારણા. સ્મૃતિમાં કારણ વાસના (સંસ્કાર) ધારણા છે. જેના સંસ્કાર આત્મામાં ન પડ્યા હોય તેનું કદી સ્મરણ થતું નથી. વાસના (સંસ્કાર) ઉપયોગાત્મક અવિચ્યુતિ ધારણાથી ઉત્પન્ન થાય છે. (૧૫)
વિષયભેદથી અને ક્ષયોપશમના ભેદથી અવગ્રહાદિના ભેદો— વહુ-વહુવિય-ક્ષિપ્રા-નિશ્રિતાસંધિ-ધ્રુવાળાં ખેતરાળામ્ ॥ ૧-૬ ॥
બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવ એ છ અને એ છથી ઇતર=વિપરીત અબહુ, અબહુવિધ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ અને અધ્રુવ એ છ મળી બાર પ્રકારે અવગ્રહાદિ પ્રવર્તે છે.
(૧) બહુ-અબહુ– બહુ એટલે વધારે અને અબહુ એટલે અલ્પ. દા.ત. કોઇ વ્યક્તિ તત, વિતત, ઘન, સુષિર આદિ ઘણા શબ્દોને એકી સાથે જાણે, જ્યારે કોઇ વ્યક્તિ એક, બે એમ અલ્પ શબ્દોને જાણી શકે. જે એકી સાથે અનેક શબ્દોને જાણે તેના અવગ્રહ આદિ અનેક શબ્દોના થાય છે. અને જે એકાદ બે શબ્દોને જાણી શકે તેના અવગ્રહાદિ એકાદ બે શબ્દોના જ થાય છે. આ પ્રમાણે આગળ ક્ષિપ્ર આદિ ભેદોમાં પણ સમજવું.
(૨) બહુવિધ-અબહુવિધ— બહુવિધ એટલે ઘણા પ્રકારો અને અબહુવિધ એટલે ઓછા પ્રકારો. દા.ત. કોઇ તત શબ્દના અનેક ભેદોને જાણી શકે, વિતત શબ્દના પણ અનેક ભેદોને જાણી શકે, એમ ઘણા પ્રકારો જાણી શકે, કોઇ એકાદ બે પ્રકારોને જ જાણી શકે.