________________
અ૦ ૧૦ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૪૯
અહીં ભાષ્યમાં દરેક દ્વારની વિચારણા વર્તમાન અને ભૂત એ બે કાળની દૃષ્ટિથી કરવામાં આવી છે.
(૧) ક્ષેત્ર— કયા કયા ક્ષેત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ સિદ્ધિક્ષેત્રમાં (લોકાર્નો) સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને જન્મ અને સંહ૨ણ એ બે દૃષ્ટિએ વિચારણા થઇ શકે છે. (૧) જન્મથી– પંદર કર્મભૂમિમાં જન્મેલા જીવો સિદ્ધ થાય છે. (૨) સંહરણથી– અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણ એટલે જીવને એક સ્થાનથી લઇ બીજા સ્થાને મૂકવો. દેશવિરતિ અને પ્રમત્તસંયતનું સંહરણ થાય છે. કોઇના મતે અવિરત સમ્યગ્દષ્ટિનું પણ સંહરણ થાય છે. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિ સંયત, પુલાક, ચૌદપૂર્વધર, આહા૨ક શરીરી અને અપ્રમત્ત સંયત એ સાતનું સંહરણ થતું જ નથી.
(૨) કાળ– કયા કાળે સિદ્ધ થાય એની વિચારણા. વર્તમાનકાળની દૃષ્ટિએ અકાળે સિદ્ધ થાય છે. કારણ કે વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ત્યાં કાળ નથી. ભૂતકાળને આશ્રયીને પૂર્વ મુજબ જન્મ અને સંહરણ એ બે દષ્ટિએ વિચારણા થઇ શકે છે. જન્મથી અવસર્પિણી, ઉત્સર્પિણી અને અવસર્પિણી-ઉત્સર્પિણી રહિત એ ત્રણેય કાળમાં જન્મેલા સિદ્ધ થઇ શકે છે. આ સામાન્યથી વિચાર થયો. વિશેષ વિચાર કરતાં અવસર્પિણીમાં ત્રીજા આરાના સંખ્યાતા વર્ષો બાકી હોય ત્યારે જન્મેલ અને ચોથા આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. એટલે પહેલા અને બીજા આરામાં, ત્રીજા આરાના અંતિમ સંખ્યાતા વર્ષ સિવાયના કાળમાં તથા પાંચમા અને છઠ્ઠા આરામાં જન્મેલા જીવો સિદ્ધ થતા નથી. ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ થઇ શકે છે, પણ પાંચમા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ ન જ થઇ શકે. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા અને ચોથા આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. સંહરણથી સર્વકાળમાં સિદ્ધ થાય છે.
૧. અવસર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડિયા બાકી રહે ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થંકર નિર્વાણ પામે છે. ઉત્સર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડિયા વ્યતીત થાય ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થંકર જન્મે છે.