________________
૪૦૬
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૧૮
તીર્થંકરના તીર્થના સાધુઓ વિશિષ્ટ નિપુણતા આદિ ગુણોથી રહિત હોવાથી ચારિત્ર સ્વીકારવાની સાથે જ નિરતિચારપણે ચારિત્ર પાળી શકતા નથી. આથી ચારિત્ર લીધા બાદ નિરતિચારપણે ચારિત્ર પાળી શકાય એ માટે વિશિષ્ટ અભ્યાસ, ક્રિયા આદિ કરવું પડે છે. ચારિત્ર લીધા બાદ સાધુ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન આદિનો અભ્યાસ તથા યોગોહન આદિ કરી નિરતિચાર ચારિત્રના પાલનમાં નિપુણ બની જાય છે ત્યારે તેને પૂર્વે પાળેલ ચારિત્રનો છેદ કરી બીજું નવું ચારિત્ર આપવામાં આવે છે. અહીં દીક્ષા દિવસથી આરંભી જ્યાં સુધી બીજું નવું ચારિત્ર (વડી દીક્ષા) આપવામાં ન આવે ત્યાં સુધીનું જે ચારિત્ર તે સામાયિક ચારિત્ર. આ સામાયિક થોડો સમય રહેવાથી તેને ઇત્વરકાલિક સામાયિક કહેવામાં આવે છે. ઇત્વરકાલિક સામાયિક ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરોના સાધુઓને જ હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સઘળા તીર્થંકરોના સાધુઓને તથા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ૨૨ તીર્થંકરોના સાધુઓને યાવજ્જીવિક સામાયિક હોય છે. તે સાધુઓ નિપુણ અને સ૨ળ હોવાથી દીક્ષાના પ્રારંભથી જીવનપર્યન્ત નિરતિચાર ચારિત્રનું પાલન કરી શકતા હોવાથી તેમને પૂર્વચારિત્રનો છેદ કરીને બીજું નવું ચારિત્ર આપવામાં આવતું નથી. એટલે દીક્ષાના પ્રારંભથી જીવનપર્યંત સામાયિક રહે છે.
(૨) છેદોપસ્થાપ્ય– જેમાં પૂર્વપર્યાયનો છેદ કરીને ઉત્તર(નવા) પર્યાયમાં ઉપસ્થાપન કરવામાં આવે તે છેદોપસ્થાપન કે છેદોપસ્થાપ્ય ચારિત્ર' છે. આ ચારિત્ર સામાયિક ચારિત્રના વર્ણનમાં કહ્યા મુજબ ભરત અને ઐરાવત ક્ષેત્રના પહેલા અને છેલ્લા તીર્થંકરોના સાધુઓને જ સામાયિક ચારિત્ર બાદ આપવામાં આવે છે. શેષ ૨૨ તીર્થંકરોના સાધુઓ તથા મહાવિદેહ ક્ષેત્રના સઘળા તીર્થંકરોના સાધુઓ દીક્ષાના પ્રારંભથી જ નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હોવાથી તેમના પૂર્વપર્યાયનો છેદ કરી ઉત્તર(નવા) પર્યાયમાં ઉપસ્થાપન કરવાની જરૂર રહેતી ન હોવાથી તેમને છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી.
૧. વર્તમાનમાં લોકભાષામાં આ ચારિત્રને વડી દીક્ષા કે પાકી દીક્ષા કહેવામાં આવે છે.