________________
અ૦ ૯ સૂ૦ ૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૯૯
ઉક્ત ત્રણ બાબતોની સામાન્ય વ્યાખ્યા(૧) વિશિષ્ટ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ તે પરીષહ. (૨) પરીષહ આવતાં રાગ-દ્વેષને વશ ન થવું અને સંયમ બાધક કોઇ પણ પ્રવૃત્તિ ન કરવી એ પરીષહજય. (૩) પરીષહ આવતાં રાગ-દ્વેષને વશ બની જવું અને સંયમ બાધક પ્રવૃત્તિ કરવી એ પરીષહ અજય છે.
હવે વિશેષથી દરેક પરીષહને આશ્રયીને આ ત્રણ બાબતોને વિચારીએ. (૧) ક્ષુધા– અતિશય ક્ષુધાની વેદના એ ક્ષુધા પરીષહ છે. ક્ષુધાને સમભાવે સહન કરવી. જો સહન ન થાય તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોચરી-ભિક્ષા લાવીને ક્ષુધાને શાંત કરવી. અહીં ક્ષુધાને શાંત કરવી એનું મહત્ત્વ નથી, કિન્તુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ ભિક્ષા મેળવવી એનું મહત્ત્વ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભિક્ષા મેળવવા જતાં નિર્દોષ આહાર ન મળે તો પણ દોષિત આહાર ન લેવો, અને મનને મક્કમ કરીને સુધાને સહન કરવી એ ક્ષુધા પરીષહજય છે. ક્ષુધા સહન થઇ શકે તેમ હોય તો પણ સહન ન કરવી, અથવા દોષિત આહારથી ક્ષુધા શમાવવી એ પરીષહ અજય છે. (૨) પિપાસા—અતિશય તૃષાની વેદના એ પિપાસા પરીષહ છે. પરીષહના જયનું અને અજયનું સ્વરૂપ ક્ષુધા પરીષહની જેમ સમજી લેવું. આહારના સ્થાને પાણી સમજવું.
(૩) શીત– અતિશય ઠંડીની વેદના શીત પરીષહ છે. પરીષહજયનું સ્વરૂપ ક્ષુધા પરીષહની જેમ સમજવું. આહારના સ્થાને વસ્ત્રો સમજવાં. શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વસ્ત્રાદિનું ગ્રહણ કરવું, અગ્નિ આદિની ઇચ્છા કરવી એ પરીષહ અજય છે.
(૪) ઉષ્ણ— અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરીષહ છે. તાપની વેદના સહન કરવી. જો સહન ન થાય તો સંયમને બાધ ન આવે તેમ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેના પ્રતિકાર માટે ઉપાય કરવો. ઉપાય કરવા છતાં વેદના દૂર ન થાય તો શાંતિથી સહન કરવી એ ઉષ્ણ પરીષહજય છે. તાપની વેદના સહન થઇ શકે તેમ હોવા છતાં સહન ન કરવી, અથવા તાપની વેદનાને દૂર કરવા પાણીથી સ્નાન, પંખાનો ઉપયોગ વગેરે સંયમ બાધક સાવઘ પ્રવૃત્તિની ઇચ્છા કરવી કે પ્રવૃત્તિ કરવી એ પરીષહ અજય છે.