________________
અ૦ ૯ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૯૧
રાગ, દ્વેષ અને મોહને વશ થયેલા જીવો આ રીતે ચોરાશી લાખ યોનિમાં ભમીને પરસ્પર ભક્ષણ, વધ, બંધ, અસત્ય આરોપ, અપ્રિયવચન વગેરેથી તીવ્ર દુ:ખો સહન કરે છે. આથી આ સંસાર દુઃખરૂપ જ છે.
ફળ– સંસારભાવનાથી સંસારભય ઉત્પન્ન થાય છે. એથી અધ્યાત્મના પાયારૂપ નિર્વેદ(=સંસાર સુખના વિનાશની ઇચ્છા) ગુણ ઉત્પન્ન થાય છે. નિર્વેદ પામેલો જીવ સંસારનો નાશ કરવા પ્રયત્ન કરે છે.
(૪) એકત્વ– પોતે એકલો જ છે વગેરે વિચાર કરવો એ એકત્વભાવના છે. જીવ એકલો જ હોવાથી પોતાના શુભાશુભ કર્મોનું ફળ એકલો જ ભોગવે છે. અન્ય સ્વજન સંબંધીઓ તેનાં કર્મોના ફળને વહેંચીને લઇ શકતા નથી. પરલોકમાંથી અહીં આવે છે ત્યારે એકલો જ આવે છે, અને અહીંથી પરલોકમાં જાય છે ત્યારે પણ એકલો જ જાય છે. અન્ય કોઇ તેની સાથે પરલોકમાંથી આવતું નથી અને પરલોકમાં જતું પણ નથી. સ્વજન આદિ માટે પાપો કર્યાં હોય તો પણ પાપોનું ફળ તો પોતાને જ ભોગવવું પડે છે. સંબંધીઓ તેમાં ભાગ પડાવી શકતા નથી.
ફળ– હૃદયને એકત્વભાવનાથી વાસિત બનાવવાથી સ્વજન ઉપર સ્નેહરાગ=આસક્તિ ન થાય અને પરજન ઉપર દ્વેષ ન થાય. આથી નિઃસંગભાવ આવવાથી મોક્ષ માટે પ્રવૃત્તિ કરવાની ભાવના જાગે છે.
(૫) અન્યત્વ– પોતાના આત્મા સિવાય જડ-ચેતન પદાર્થો અન્ય છે=પોતાનાથી ભિન્ન છે તેવો વિચાર કરવો તે અન્યત્વભાવના છે. આત્મા સિવાય કોઇ પદાર્થ પોતાનો ન હોવા છતાં અજ્ઞાનતાથી આ શરીરને તથા અન્ય સંબંધીઓને પોતાના માને છે. આથી તેમના ઉપર મમત્વ કરીને તેમના માટે અનેક પ્રકારનાં પાપો કરે છે. આથી શરીર તથા સ્વજનાદિ ઉપર મમત્વભાવ દૂર કરવા અન્યત્વભાવનાનું ચિંતન જરૂરી છે. સઘળા પ્રાણીઓ એક બીજાથી ભિન્ન છે. કર્મના યોગે ભેગા થાય છે અને પુનઃ જુદા પડે છે. જુદા જુદા દેશમાંથી આવેલા જુદા જુદા મુસાફરો થોડો સમય મુસાફરખાનામાં સાથે રહીને વિખૂટા પડી જાય છે, તેમ સમય જતાં સંબંધીઓ પણ વિખૂટા પડી જાય છે. શરીર પણ આત્માથી ભિન્ન છે. શરીર વિનાશી છે. જ્યારે ૧. સાંસારિમુવનિજ્ઞાસાનક્ષળો નિર્વે: (ભાષ્યટીકા)