________________
૩૭૪
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૨૪
નથી. વેદનીય કર્મ મધ વડે લેપાયેલી તલવારની તીક્ષ્ણ ધાર સમાન છે. કેમ કે તેને ચાટતાં પ્રથમ સ્વાદ આવે છે, પણ પરિણામે જીભ કપાતાં પીડા થાય છે. તેમ આ વેદનીય કર્મ સુખ-દુ:ખનો અનુભવ કરાવે છે અને તેનાથી થતો સુખનો અનુભવ પણ પરિણામે દુઃખ આપનારો થાય છે. મોહનીય કર્મ મદિરાપાન સમાન છે. જેમ મદિરાનું પાન કરવાથી માણસ વિવેક રહિત બની જાય છે, હિતાહિતનો વિચાર પણ કરી શકતો નથી, એથી અયોગ્ય ચેષ્ટા કરે છે. તેમ મોહનીય કર્મના યોગે જીવ વિવેક રહિત બને છે, અને આત્મા માટે હેય શું છે ? ઉપાદેય શું છે ? ઇત્યાદિ વિચાર કરી શકતો નથી. પરિણામે અયોગ્ય (=આત્માનું અહિત કરનારી) પ્રવૃત્તિ કરે છે. આયુષ્ય કર્મ બેડી સમાન છે. બેડીમાં બંધાયેલ જીવ અન્યત્ર જઇ શકતો નથી તેમ આયુષ્યરૂપ બેડીથી બંધાયેલ જીવ વર્તમાનગતિનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગતિમાં જઇ શકતો નથી. નામ કર્મ ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર મનુષ્ય, હાથી, ઘોડા વગેરે જુદા જુદા ચિત્રો=આકારો ચીતરે છે; તેમ નામ કર્મ અરૂપી એવા આત્માનાં ગતિ, જાતિ, શરીર વગેરે અનેક રૂપો તૈયાર કરે છે. ગોત્ર કર્મ કુલાલ (કુંભાર) સમાન છે. કુલાલ સારા અને ખરાબ એમ બંને પ્રકારના ઘડા બનાવે છે. તેમાં સારા ઘડાની કળશરૂપે સ્થાપના થાય છે, અને ચંદન, અક્ષત, માળા આદિથી પૂજા થાય છે. ખરાબ ઘડાઓમાં મઘ આદિ ભરવામાં આવે છે. એથી તે ઘડા લોકમાં નિંઘ ગણાય છે. તેમ ગોત્રકર્મના યોગે ઉચ્ચ અને નીચ કુળમાં જન્મ પામી જીવની ઉચ્ચરૂપે અને નીચરૂપે ગણતરી થાય છે. અંતરાય કર્મ ભંડારી સમાન છે. જેમ દાન કરવાની ઇચ્છાવાળા રાજા આદિને તેનો લોભી ભંડારી દાન કરવામાં વિઘ્ન કરે છે, તેમ અંતરાય કર્મ દાન આદિમાં વિઘ્ન કરે છે.
ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે તેનું પ્રતિપાદન— તતક્ષુ નિર્જરા ॥ ૮-૨૪ ॥
કર્મોનું ફળ મળ્યા પછી કર્મોની નિર્જરા થાય છે.
નિર્જરા એટલે કર્મોનું આત્મપ્રદેશોથી છૂટા પડી જવું. નિર્જરા બે પ્રકારે થાય છે. (૧) જેમ ઝાડ ઉપર રહેલી કેરી કાળે કરી સ્વાભાવિક રીતે પાકે છે, તેમ કર્મની સ્થિતિનો પરિપાક થવાથી સ્વાભાવિક રીતે કર્મ ઉદયમાં