________________
૩૬૬
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ ૦ ૧૨
વ્યાપાર એક જ સમય રહે છે. આથી બીજા વગેરે સમયોમાં ગતિ કરવા નવી મદદની જરૂર પડે છે. અહીં બીજા વગેરે સમયોમાં (આકાશ પ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં) જે કર્મ નવી મદદ આપે છે તેને આનુપૂર્વી નામકર્મ કહેવામાં આવે છે. જીવ ચારગતિમાં ઉત્પન્ન થાય છે માટે તે ચારગતિના નામ પૂર્વક ચાર આનુપૂર્વી છે. દેવગતિ-આનુપૂર્વી, મનુષ્યગતિ-આનુપૂર્વી, તિર્યંચગતિ-આનુપૂર્વી અને નરકગતિ-આનુપૂર્વી. જે કર્મ વક્રગતિથી દેવગતિમાં જતા જીવને ઉત્પત્તિસ્થાને પહોંચવામાં (-આકાશ પ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં) મદદ કરે તે દેવગતિ-આનુપૂર્વી નામકર્મ. એ પ્રમાણે અન્ય આનુપૂર્વી નામકર્મની વ્યાખ્યા પણ જાણી લેવી.
(૧૪) વિહાયોગતિ— વિહાયોગતિ' શબ્દમાં બે શબ્દો છે. વિહાયસ્ અને ગતિ. વિહાયસ્ એટલે આકાશ. આકાશમાં થતી ગતિ વિહાયોગતિ. વિહાયોગતિ શબ્દનો આ શબ્દાર્થ છે. એનો ભાવાર્થ ગતિ કરવી એવો છે. જીવોની ગતિ(ચાલ) શુભ અને અશુભ એમ બે પ્રકારની છે. આથી વિહાયોગતિ નામકર્મના શુભવિહાયોગતિ અને અશુભવિહાયોગતિ એમ બે ભેદો છે. જે કર્મના ઉદયથી જીવ શુભ(પ્રશસ્ત) ગતિ કરે છે તે શુભવિહાયોગતિ નામકર્મ. જેમ કે—હંસ, ગજ વગેરેની ગતિ શુભ હોય છે. જે કર્મના ઉદયથી જીવ અશુભ(-અપ્રશસ્ત) ગતિ કરે છે તે અશુભવિહાયોગતિ નામકર્મ. જેમ કે—ઊંટ, શિયાળ વગેરેની ગતિ અશુભ હોય છે.
પ્રશ્ન— અહીં વિહાયોગતિનો ભાવાર્થ તો ગતિ કરવી એ છે. એટલે અહીં વિહાયસ્ શબ્દ ન લખવામાં આવે અને જે કર્મના ઉદયથી શુભગતિ થાય તે શુભગતિ નામકર્મ અને અશુભગતિ થાય તે અશુભગતિ નામકર્મ. એ પ્રમાણે અર્થ કરવામાં કોઇ જાતનો વાંધો આવતો નથી. આથી અહીં વિહાયસ્ શબ્દનો ઉલ્લેખ કરવાની જરૂર ન હોવા છતાં તેનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો છે ?
ઉત્તર– ચૌદ પિંડ પ્રકૃતિઓમાં ગતિ નામકર્મ પણ છે. એટલે જો અહીં વિહાયસ્ શબ્દ ન લખવામાં આવે તો ગતિ નામકર્મ બે થાય. આથી પિંડપ્રકૃતિમાં આવેલ ગતિ નામકર્મને જુદું બતાવવા ગતિની સાથે વિહાયસ્
૧. અહીં વિહાયોગતિ શબ્દનો અર્થ પ્રથમ કર્મગ્રંથની ટીકાના આધારે કર્યો છે.