________________
૩૬૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૧૨
થાય છે, જે પ્રસ્તુત સૂત્રમાં જણાવવામાં આવી છે. નામકર્મના અવાંતર ભેદોનો વિચાર કરવામાં આવે તો ૯૩ વગેરે સંખ્યા થાય છે. તેમાં ૯૩ સંખ્યા નીચે પ્રમાણે છે—
ચૌદ પિંડપ્રકૃતિઓના ભેદો—–
(૧) ગતિ– ગતિના નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ભેદો છે. જે કર્મના ઉદયથી નારકપર્યાય પ્રાપ્ત થાય, નરકગતિની પ્રાપ્તિ થાય, તે નરકગતિ નામકર્મ. આ પ્રમાણે તિર્યંચગતિ આદિ વિષે પણ જાણવું.
(૨) જાતિ– જાતિના એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય એમ પાંચ ભેદ છે. જે કર્મના ઉદયથી જીવ એકેન્દ્રિય કહેવાય (એક ઇન્દ્રિયની પ્રાપ્તિ થાય) તે એકેન્દ્રિયજાતિ નામકર્મ. એ પ્રમાણે બેઇન્દ્રિય આદિમાં પણ જાણવું.
(૩) શરીર– શરીરના પાંચ ભેદ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ. જે કર્મના ઉદયથી જીવ ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને ઔદારિક શરીરરૂપે પરિણમાવે તે ઔદારિક શરીર નામ કર્મ. એ પ્રમાણે વૈક્રિય આદિ વિષે પણ જાણવું.
(૪) અંગોપાંગ– અંગોપાંગ શબ્દથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ એમ ત્રણ શબ્દો લેવાના છે. હાથ પગ વગેરે શરીરના અંગો છે. આંગળી વગેરે ઉપાંગો (અંગોનાં અંગો) છે. નખ, કેશ વગેરે અંગોપાંગ (ઉપાંગોનાં અંગો) છે. અંગોપાંગ ત્રણ પ્રકારનાં છે. ઔદારિક, વૈક્રિય અને આહારક. જે કર્મના ઉદયથી ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો ઔદારિક શરીરના અંગ, ઉપાંગ અને અંગોપાંગ રૂપે પરિણમે છે તે ઔદારિક અંગોપાંગ નામ કર્મ. એ પ્રમાણે અન્ય બે અંગોપાંગ વિષે પણ જાણવું. શરીર પાંચ હોવા છતાં અંગોપાંગ ત્રણ છે. કારણ કે કાર્યણ અને તૈજસ શરીરને અંગોપાંગ હોતાં નથી.
(૫) બંધન– બંધન એટલે જતુ-કાષ્ઠની જેમ એકમેક સંયોગ, બંધનના પાંચ ભેદ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ. જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક શરીરના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલોનો જતુ-કાવત્ એકમેક સંયોગ થાય તે ઔદારિક બંધન નામ કર્મ. એ પ્રમાણે અન્ય બંધન વિષે પણ જાણવું. ૧. ઔદારિક આદિ પાંચ શરીરના વિસ્તૃત વર્ણન માટે જુઓ અધ્યાય-૨ સૂત્ર ૩૭ વગેરે.