________________
૩૬૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૧૦ નોકષાયની વ્યાખ્યા– અહીં નોશબ્દનો અર્થ સાહચર્ય (=સાથે રહેવું) છે. જે કષાયોની સાથે રહી પોતાનું ફળ બતાવે તે નોકષાય. નોકષાયોનો વિપાક ફળ કષાયોના આધારે હોય છે. જો કષાયોનો વિપાક મંદ હોય તો નોકષાયોનો વિપાક પણ મંદ અને કષાયોનો વિપાક તીવ્ર હોય તો નોકષાયોનો વિપાક પણ તીવ્ર હોય છે. આમ કષાયોના આધારે ફળ આપતા હોવાથી કેવળ નોકષાયોની પ્રધાનતા નથી અથવા નો એટલે પ્રેરણા. જે કષાયોને પ્રેરણા કરે કષાયોના ઉદયમાં નિમિત્ત બને તે નોકષાય. હાસ્યાદિ ક્રોધ વગેરે કષાયના ઉદયમાં નિમિત્ત બને છે માટે નોકષાય છે.
હાસ્યષક– જે કર્મના ઉદયથી હસવું આવે તે હાસ્યમોહનીય. જે કર્મના ઉદયથી રતિ ઉત્પન્ન થાય તે રતિમોહનીય. જે કર્મના ઉદયથી અરતિ ઉત્પન્ન થાય તે અરતિમોહનીય. જે કર્મના ઉદયથી ભય ઉત્પન્ન થાય તે ભયમોહનીય. જે કર્મના ઉદયથી શોક ઉત્પન્ન થાય તે શોકમોહનીય. જે કર્મના ઉદયથી જુગુપ્સા ઉત્પન્ન થાય તે જુગુપ્સામોહનીય.
વેદત્રિક- જે કર્મના ઉદયથી સ્ત્રી સાથે મૈથુન સેવનની ઇચ્છા થાય તે પુરુષવેદમોહનીય. જે કર્મના ઉદયથી પુરુષ સાથે મૈથુન સેવનની ઇચ્છા થાય તે સ્ત્રીવેદમોહનીય. જે કર્મના ઉદયથી સ્ત્રી-પુરુષ બંનેની સાથે મૈથુન સેવનની ઇચ્છા થાય તે નપુંસકવેદમોહનીય.
દષ્ટાંતોથી વેદત્રિકનું સ્વરૂપ
પુરુષવેદ તૃણના અગ્નિ સમાન છે. તૃણનો અગ્નિ શીધ્ર પ્રદીપ્ત થાય છે અને શાંત પણ શીધ્ર થઈ જાય છે. એમ પુરુષવેદનો ઉદય શીધ્ર થાય છે અને શાંત પણ શીધ્ર થઈ જાય છે. સ્ત્રીવેદ લાકડાના અગ્નિ સમાન છે. લાકડાનો અગ્નિ જલદી સળગે નહિ, તેમ સ્ત્રીવેદનો ઉદય જલદી ન થાય. પણ લાકડાનો અગ્નિ સળગ્યા પછી જલદી શાંત ન થાય. તેમ સ્ત્રીવેદ પણ જલદી શાંત ન થાય. નપુંસકવેદ નગરના દાહ (આગ) સમાન છે. નગરના દાહની જેમ નપુંસકવેદનો ઉદય ઘણા કાળ સુધી શાંત થતો નથી.
આ પ્રમાણે મોહનીયકર્મના ૨૮ ભેદોનું વર્ણન પૂર્ણ થયું. (૧૦)