________________
૩૫૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ) ૮ સૂ૦ ૧૦ (નિરંતર) વધારેમાં વધારે ૧૨ માસ સુધી જ રહે છે. પ્રત્યાખ્યાન કષાયોનો ઉદય (નિરંતર) વધારેમાં વધારે ચાર માસ સુધી જ રહે છે. સંજવલન કષાયોનો ઉદય (નિરંતર) વધારેમાં વધારે એક પક્ષ (૧૫ દિવસ) સુધી જ રહે છે.
તાત્પર્ય– જે કષાય જેના વિષે ઉત્પન્ન થાય તે કષાય તેના વિષે સતત જેટલો સમય રહે તે તેની સ્થિતિ છે. જેમ કે, એક વ્યક્તિને અમુક વ્યક્તિ ઉપર ક્રોધ ઉત્પન્ન થયો. આ ક્રોધ તે વ્યક્તિ ઉપર સતત જેટલો સમય રહે તે તેની સ્થિતિ કહેવાય. એટલે એ ક્રોધ જો અનંતાનુબંધી હોય તો તે જ વ્યક્તિ ઉપર સતત જિંદગી સુધી પણ રહે. જિંદગી સુધી રહે જ એવો નિયમ નથી. અધિક કાળ રહે તો જિંદગી સુધી પણ રહે. હવે જો એ ક્રોધ અપ્રત્યાખ્યાન હોય તો એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે બાર માસ સુધી જ રહે, પછી અવશ્ય (થોડો સમય પણ) દૂર થાય. જો એ ક્રોધ પ્રત્યાખ્યાનાવરણ હોય તો એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે ચાર માસ સુધી જ રહે, પછી અવશ્ય દૂર થાય. જો સંજવલન ક્રોધ હોય તો એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે ૧૫ દિવસ સુધી જ રહે. એ પ્રમાણે માન આદિ વિષે પણ સમજવું. જે જે કષાયની જે જે સ્થિતિ બતાવી છે તે તે કષાય તેટલો સમય રહે જ એવો નિયમ નથી, એ પહેલાં પણ દૂર થાય. પણ જલદી દૂર ન થાય અને વધારે કાળ રહે તો વધારેમાં વધારે બતાવેલ કાળ સુધી જ રહે. પછી થોડો સમય પણ અવશ્ય દૂર થાય.
પ્રશ્ન- સંજવલન કષાયની સ્થિતિ વધારેમાં વધારે ૧૫ દિવસની છે તો બાહુબલિને માન કષાય ૧૨ મહિના સુધી કેમ રહ્યો?
ઉત્તર- અહીં બતાવેલ તે તે કષાયોની તે તે સ્થિતિ વ્યવહારથી (સ્થૂલદષ્ટિથી) છે. નિશ્ચયથી(=સૂક્ષ્મદષ્ટિથી) તો ઉક્ત કાળથી વધારે કાળ પણ રહી શકે છે. તેથી જ સોળ કષાયના ૬૪ ભેદો પણ થાય છે.
કયા પ્રકારના કષાયના ઉદયથી કઈ ગતિ થાય?
જીવ અનંતાનુબંધી કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તો નરકમાં જાય છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તો તિર્યંચગતિમાં જાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તો મનુષ્યગતિમાં જાય છે. સંજવલન કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તો દેવગતિમાં જાય છે. આ ૧, જુઓ પ્રથમ કર્મગ્રંથ ગાથા-૧૮ની ટીકા.