________________
૩૫૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૧૦ મોહનીય. તેના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ભેદો છે. ક્રોધ એટલે ગુસ્સો=અક્ષમા. માન એટલે અહંકાર=ગર્વ. માયા એટલે દંભ=કપટ. લોભ એટલે અસંતોષ-આસક્તિ. કોપ, રોષ, દ્વેષ, કલહ, વૈમનસ્ય, ઈર્ષ્યા, અસૂયા, બળતરિયો સ્વભાવ વગેરે ક્રોધના જ પ્રકારો છે. ગર્વ, અહંકાર, દર્પ, મદ, અભિમાન વગેરે માનના જ પ્રકારો છે. વચના, છેતરપિંડી, દંભ, કપટ, વક્રતા, કુટિલતા વગેરે માયાના પ્રકારો છે. ઇચ્છા, મૂચ્છ, કામ, સ્નેહ, ગૃદ્ધિ, મમત્વ, અભિલાષ, આકાંક્ષા, અભિવૃંગ, આસક્તિ, કામના વગેરે લોભના પ્રકારો છે. આ ચાર કષાયો મમતા અને અહંકાર સ્વરૂપ અથવા રાગ-દ્વેષ સ્વરૂપ છે. માયા અને લોભ મમતા સ્વરૂપ યા રાગ સ્વરૂપ છે. ક્રોધ અને માન અહંકાર સ્વરૂપ યા દ્વેષ સ્વરૂપ છે.'
તથા રાગ-દ્વેષ મોહ સ્વરૂપ છે. એટલે મોહનો સામાન્ય અર્થ રાગતેષ અથવા ક્રોધાદિ કષાયો છે. મોહનો અજ્ઞાનતા અર્થ પણ કરવામાં આવે છે. અહીં અજ્ઞાનતા એટલે જ્ઞાનનો અભાવ અર્થ નથી, કિન્તુ વિરુદ્ધ જ્ઞાન અથવા અયથાર્થ જ્ઞાન છે. વિરુદ્ધ જ્ઞાન અને અયથાર્થ જ્ઞાન મોહનીય કર્મથી થાય છે. એટલે મોહનો અર્થ અજ્ઞાનતા પણ બરોબર છે.
કષાયોના અનંતાનુબંધી આદિ ભેદોની વ્યાખ્યા
(૧) અનંતાનુબંધી– જે કષાયોના ઉદયથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય તે અનંતાનુબંધી. આ કષાયો અનંત સંસારનો અનુબંધ=પરંપરા કરાવતા હોવાથી અનંતાનુબંધી કહેવાય છે. આ કષાયના ઉદયથી જીવને હેય-ઉપાદેયનો વિવેક હોતો નથી.
(૨) અપ્રત્યાખ્યાન- જે કષાયો (દશ)વિરતિને રોકે, કોઈ પણ જાતના પાપથી વિરતિ ન કરવા દે તે અપ્રત્યાખ્યાન. જેના ઉદયથી પ્રત્યાખ્યાનનો અભાવ થાય તે અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનનું મહત્ત્વ સમજતો હોવા છતાં તથા પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રત્યાખ્યાન કરી શકતો નથી.
(૩) પ્રત્યાખ્યાનાવરણ– જે કષાયો સર્વવિરતિના પ્રત્યાખ્યાન ઉપર આવરણ=પડદો કરે, સર્વવિરતિની પ્રાપ્તિ થવા ન દે, તે પ્રત્યાખ્યાનાવરણ. ૧. પ્રશમરતિ ગાથા-૩૧-૩૨.