________________
૩૪૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ) ૮ સૂ૦૫ કરીએ, વર્તમાન કાળની વસ્તુઓમાં પણ અમુક જ વસ્તુઓનો સામાન્યવિશેષ રૂપે બોધ થાય છે, તે પણ ઇન્દ્રિયોની સહાયથી. આને શું કારણ? આનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પ્રકૃતિ છે. આ બંને પ્રકૃતિઓએ આત્માની જ્ઞાન-દર્શનની શક્તિને દબાવી દીધી છે. છતાં એ પ્રકૃતિઓ આત્માના જ્ઞાન-દર્શન ગુણને સર્વથા નથી દબાવી શકતી. જેમ સૂર્યને વાદળાઓનું આવરણ હોવા છતાં વાદળાઓનાં છિદ્રો દ્વારા થોડો પ્રકાશ પડે છે તેમ, આત્મારૂપી સૂર્ય ઉપર પ્રકૃતિરૂપી વાદળાઓનું આવરણ હોવા છતાં ક્ષયોપશમરૂપી છિદ્રો દ્વારા કંઈક જ્ઞાન-દર્શન ગુણરૂપી પ્રકાશ વ્યક્ત થાય છે.
હવે આત્માના ત્રીજા ગુણ વિશે વિચારીએ. આત્માનો ત્રીજો ગુણ અનંત અવ્યાબાધ સુખ છે. આ ગુણના પ્રતાપે આત્મામાં ભૌતિક કોઈ વસ્તુની અપેક્ષા વિના સ્વાભાવિક સહજ સુખ રહેલું છે. છતાં અત્યારે આપણે દુઃખી થઈએ છીએ. જે યત્કિંચિત્ સુખ પ્રાપ્ત થાય છે તે પણ ભૌતિક વસ્તુઓ દ્વારા. આમાં વેદનીય કર્મ કારણ છે. આત્મામાં ચોથો ગુણ સ્વભાવરમણતા રૂપ અનંત ચારિત્ર છે. આત્મામાં કેવળ સ્વભાવમાં=પોતાના જ ભાવમાં રમણતા કરવાનો ગુણ છે. છતાં મોહનીય કર્મથી આ ગુણનો અભિભવ થઈ ગયો છે એટલે આત્મા ભૌતિક વસ્તુ મેળવવી, સાચવવી, તેના ઉપર રાગ-દ્વેષ કરવા વગેરે પરભાવમાં રમે છે. આત્માનો પાંચમો ગુણ અક્ષય સ્થિતિ છે. આ ગુણના પ્રભાવે આત્માને નથી જન્મ, નથી જરા કે નથી મરણ. છતાં આયુષ્ય કર્મના કારણે આત્માને જન્મ-મરણ કરવા પડે છે. આત્માનો છઠ્ઠો ગુણ અરૂપિપણું (=રૂપનો અભાવ) છે. આત્મામાં આ ગુણ હોવાથી આત્માને નથી રૂપ, નથી રસ, નથી ગંધ કે નથી સ્પર્શ. છતાં અત્યારે આપણે શરીરધારી છીએ એથી કૃષ્ણ, શ્વેત વગેરે રૂપ તથા મનુષ્યાદિ ગતિ, યશ, અપયશ, સુસ્વર, દુઃસ્વર વગેરે જે વિકારો દેખાય છે તે છઠ્ઠી નામ પ્રકૃતિના કારણે છે. આત્માનો સાતમો ગુણ અગુરુલઘુતા છે. આ ગુણથી આત્મા નથી ઉચ્ચ, કે નથી નીચ. છતાં અમુક વ્યક્તિ ઉચ્ચ કુળમાં જન્મેલી છે. અમુક વ્યક્તિ નીચ કુળમાં જન્મેલી છે, એ પ્રમાણે જે ઉચ્ચ-નીચ કુળનો વ્યવહાર થાય છે તે સાતમી ગોત્ર પ્રકૃતિના કારણે છે. આત્માનો આઠમો ગુણ અનંતવીર્ય છે. આ ગુણથી આત્મામાં અતુલ અનંત શક્તિ છે. છતાં અત્યારે એ અતુલ