________________
અ૦ ૭ સૂ૦ ૩૧-૩૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૩૩ પ્રશ્ન- તુચ્છ ઔષધિ ( જેનાથી તૃપ્તિ ન થાય તેવી વસ્તુઓ) જો સચિત્ત વાપરે છે તો તેનો સમાવેશ સચિત્ત આહાર નામના પ્રથમ અતિચારમાં થઈ જાય છે. હવે જો અચિત્ત વાપરે છે તો અતિચાર જ ન ગણાય.
ઉત્તર– વાત સત્ય છે. પણ અચિત્ત વાપરવામાં વ્રતના ધ્યેયનું પાલન ન થવાથી પરમાર્થથી વ્રતની વિરાધના થાય છે. જે આરાધક પાપથી બહુ ડરતો હોય અને લોલુપતાને ઓછી કરી હોય તે શ્રાવક સચિત્તનું પ્રત્યાખ્યાન કરે છે. જેનાથી તૃપ્તિ ન થતી હોય તેવી વસ્તુ વાપરવામાં લોલુપતા કારણ છે. કારણ કે તેનાથી શરીરને પુષ્ટિ મળતી નથી. આથી શ્રાવક જો આવી વસ્તુઓ વાપરે તો તેનામાં લોલુપતા અધિક છે એ સિદ્ધ થાય છે. આમાં શરીરને લાભ થતો નથી અને પાપ વધારે થાય છે. આથી અપેક્ષાએ તુચ્છ ઔષધિનું ભક્ષણ એ અતિચાર છે. (૩૦)
બારમા વ્રતના અતિચારોसचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः॥७-३१ ॥
સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચારો છે.
(૧) સચિત્તનિક્ષેપ નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુને ઘઉં વગેરે સચિત્ત વસ્તુમાં મૂકી દેવી. (૨) સચિત્તપિધાન- નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દેવી. (૩) પરવ્યપદેશ– નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ પોતાની હોવા છતાં બીજાની છે એમ કહેવું, અથવા આપવાની બુદ્ધિથી બીજાની હોવા છતાં પોતાની છે એમ કહેવું. (૪) માત્સર્ય– હૃદયમાં ગુસ્સે થઇને આપવું. સામાન્ય માણસ પણ આપે છે તો શું હું તેનાથી ઉતરતો છું? એમ ઈર્ષાથી આપવું. (૫) કાલાતિક્રમ– ભિક્ષાકાળ વીતી ગયા પછી અથવા ભિક્ષાકાળ થયા પહેલા સાધુઓને નિમંત્રણ કરવું. (૩૧)
સંલેખના વ્રતના અતિચારોजीवित-मरणाशंसा-मित्रानुराग-सुखानुबन्ध-निदानकरणानि ॥७-३२ ॥
જીવિત-આશંસા, મરણ-આશંસા, મિત્ર-અનુરાગ, સુખ-અનુબંધ અને નિદાનકરણ એ પાંચ સંલેખના વ્રતના અતિચારો છે.