________________
અ૦ ૭ સૂ૦ ૧૮]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૧૩
ઉલ્લંઘન સમ્યક્ત્વને મલિન=દૂષિત બનાવે છે. આથી આ લોકના કે પરલોકના સુખ માટે ધર્મ કરવો એ અતિચાર છે. અથવા વીતરાગપ્રણીત દર્શન સિવાય અન્ય દર્શનની ઇચ્છા તે કાંક્ષા. તેના સર્વકાંક્ષા અને દેશકાંક્ષા એમ બે પ્રકાર છે. સર્વ દર્શનો સમાન છે, સર્વ દર્શનો મોક્ષમાર્ગ બતાવે છે. સર્વ દર્શનો સારાં છે, એમ સર્વ દર્શનોની ઇચ્છા તે સર્વકાંક્ષા. કોઇ એક બે દર્શનની ઇચ્છા રાખવી તે દેશકાંક્ષા. જેમ કે—બૌદ્ધદર્શન શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં કષ્ટ સહન કર્યા વિના ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે. સ્નાન વગેરેની છૂટ આપવામાં આવી છે...કાંક્ષાથી વીતરાગ પ્રણીત દર્શનમાં અવિશ્વાસ=અશ્રદ્ધા પેદા થવાનો સંભવ છે.
(૩) વિચિકિત્સા– વિચિકિત્સા એટલે સંશય=સંદેહ. ધર્મના ફળનો સંદેહ રાખવો. મેં કરેલી તપ વગેરે સાધનાનું ફળ મને મળશે કે નહિ ? લોકમાં ખેતી વગેરે ક્રિયાઓ ઘણી વખત સફળ થાય છે અને ઘણી વખત સફળ થતી નથી. તેમ આ જૈનધર્મના પાલનથી(=દાન આદિના સેવનથી) તેનું ફળ મને મળશે કે નહિ ? એ પ્રમાણે સંશય રાખવો.
શંકા અને વિચિકિત્સામાં તફાવત– શંકા અને વિચિકિત્સા એ બંનેમાં શંકા તો છે જ, પણ શંકાનો વિષય ભિન્ન ભિન્ન છે. શંકા અતિચારમાં શંકાનો વિષય પદાર્થો કે ધર્મ છે. જ્યારે વિચિકિત્સા અતિચારમાં શંકાનો વિષય ધર્મનું ફળ છે. અર્થાત્ શંકા રૂપ અતિચારમાં પદાર્થની કે ધર્મની શંકા હોય છે, અને વિચિકિત્સામાં ધર્મના ફળની શંકા હોય છે. અથવા વિચિકિત્સા એટલે જુગુપ્સા. સાધુ-સાધ્વીનાં મલિન શરીર-વસ્ત્રાદિને જોઇને દુર્ગંછા કરવી. તથા આ લોકો પાણીથી સ્નાન પણ કરતા નથી, સચિત્ત પાણીમાં ભલે દોષ હોય, પણ અચિત્ત પાણીથી સ્નાન અને વસ્રપ્રક્ષાલન કરે તો શો વાંધો આવે ? એમ તેમની નિંદા કરવી.
(૪) અન્યદૃષ્ટિ પ્રશંસા— સર્વજ્ઞપ્રણીત દર્શન સિવાયના અન્ય બૌદ્ધ આદિ દર્શનની પ્રશંસા કરવી. જેમ કે—તેઓ પુણ્યવાન છે. તેમનો જન્મ સફળ છે. તેમનો ધર્મે શ્રેષ્ઠ છે. તેમનામાં દાક્ષિણ્યતા વગેરે ગુણો રહેલા છે. ઇત્યાદિ રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશંસા કરવી. આવી પ્રશંસાથી અપરિપક્વ બુદ્ધિવાળા