________________
૩૦૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૧૬
સાવદ્ય કર્મ આ ચારનો ત્યાગ તે પૌષધોપવાસ (કે પૌષધ) વ્રત. આ વ્રત કેવળ દિવસ પૂરતું, કેવળ રાત્રિ પૂરતું, યા દિવસ-રાત્રિ પૂરતું લેવામાં આવે છે. આહારત્યાગ સિવાય ત્રણ પ્રકારનો ત્યાગ સર્વથા કરવામાં આવે છે. આહારત્યાગ સર્વથા અથવા શક્તિના અભાવે દેશથી પણ કરવામાં આવે છે. જો ચોવિહાર ઉપવાસ ક૨વામાં આવે તો આહારનો સર્વથા અને તિવિહાર ઉપવાસ, આયંબિલ આદિ કરવામાં આવે તો દેશથી ત્યાગ થાય છે. આ વ્રત ગ્રહણ કરનારે અષ્ટમી આદિ પર્વતિથિએ પૌષધ લેવાનો નિયમ ગ્રહણ કરવો જોઇએ. દરેક પર્વતિથિએ ન લઇ શકાય તો વર્ષમાં અમુક ૧૦-૨૦-૩૦ પૌષધ કરવા એવો નિયમ કરવો જોઇએ.
ફળ– આ વ્રતથી સાધુધર્મનો અભ્યાસ થાય છે. કષ્ટ સહન કરવાની શક્તિ આવે છે, શરીર પરનો મમત્વભાવ ઓછો થાય છે. આગથી બળેલાને શીતલ દ્રવ્યોના સંયોગથી જેમ શાંતિ થાય છે, તેમ સંસારમાં દરરોજ રાગદ્વેષની આગમાં બળતા જીવને પૌષધથી શાંતિનો અનુભવ થાય છે.
(૧૧) ઉપભોગ-પરિભોગપરિમાણવ્રત– એક જ વાર ભોગવી શકાય તેવી વસ્તુનો ઉપયોગ તે ઉપભોગ. જેમ કે આહાર, પુષ્પ વગેરે. અથવા જે વસ્તુનો શરીરની અંદર ઉપયોગ થાય તે ઉપભોગ. જેમ કે આહાર વગેરે. વારંવાર ભોગવી શકાય કે શરીરની બહાર ભોગવી શકાય તેવી વસ્તુનો ઉપયોગ તે પરિભોગ. જેમ કે વસ્ત્ર આદિ. જેમાં ઉપભોગ અને પરિભોગનું પરિમાણ ક૨વામાં આવે તે ઉપભોગ-પરિભોગપરિમાણવ્રત. આ પ્રમાણે ઉપભોગ-પરિભોગપરિમાણ શબ્દનો અર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે— અતિસાવદ્ય વસ્તુઓનો સર્વથા ત્યાગ અને અલ્પ સાવઘવાળી વસ્તુઓનો ઉપભોગ પણ પરિમાણથી કરવો તે ઉપભોગ-પરિભોગપરિમાણવ્રત.
આ વ્રતનો નિયમ બે રીતે કરવામાં આવે છે. એક ભોજન સંબંધી અને બીજો કર્મ(-ધંધા) સંબંધી. આહારમાં બાવીશ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય, રાત્રિભોજન, ચલિતરસ તથા સચિત્ત વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. કારણ કે આ વસ્તુઓના ઉપયોગથી બહુ પાપ લાગે છે. આ વસ્તુઓનો સર્વથા ત્યાગ ન થઇ શકે તો જેનો ઉપયોગ કરવો પડતો હોય તે સિવાયની વસ્તુઓનો તો અવશ્ય ત્યાગ કરવો તથા આ સિવાયની અલ્પ