________________
અ૦ ૭ સૂ૦ ૧૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૦૧ શલ્યરહિત તથા અહિંસાદિ વ્રત સહિત જે હોય તે વ્રતી કહેવાય.
યદ્યપિ વ્રતી શબ્દથી જ વ્રત જેને હોય તે વ્રતી કહેવાય એમ સમજી શકાય છે. છતાં અહીં વ્રતોની વ્યાખ્યા માટે વિશિષ્ટ સૂત્રની રચના એટલા માટે કરી કે, કેવળ વ્રત હોવા માત્રથી વ્રતી ન કહેવાય, કિંતુ શલ્ય રહિત પણ જોઇએ. અહીં વ્રતીની વ્યાખ્યામાં અંગાંગી ભાવ સમાયેલો છે. વ્રતી અંગી છે. નિશલ્યતા અંગ છે. જેમ અંગ=અવયવ વિના અંગી=અવયવી ન હોઈ શકે તેમ નિઃશલ્યતા વિના વ્રતી ન હોઈ શકે. આથી અહીં નિઃશલ્યતાની (શલ્યના અભાવની) પ્રધાનતા છે. વ્રત સહિત હોવા છતાં નિઃશલ્યતા ન હોય તો વ્રતી ન કહેવાય. જેમ કોઈની પાસે ગાયો હોવા છતાં જો દૂધ વિનાની હોય તો તે વાસ્તવિક રીતે ગાયવાળો કહેવાતો નથી. કારણ કે દૂધ વિનાની ગાયોની કોઈ કિંમત હોતી નથી.
માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શલ્ય છે. શરીરમાં રહી ગયેલ કાંટા આદિનું શલ્ય જેમ શરીર અને મનને અસ્વસ્થ બનાવી દે છે, તેમ માયા આદિ આત્મામાં રહી જાય તો આત્માને અસ્વસ્થ બનાવી દે છે. એથી આત્માની પ્રગતિ રૂંધાઈ જાય છે. માટે માયા આદિ ત્રણ શલ્ય છે.
માયા એટલે કપટ, નિદાન એટલે મહાવ્રતો આદિની સાધનાના ફળ રૂપે આ લોક અને પરલોકનાં દુન્યવી સુખોની ઇચ્છા રાખવી. મિથ્યાત્વ એટલે તાત્ત્વિક પદાર્થો ઉપર અશ્રદ્ધા.
પ્રશ્ન- ક્રોધ આદિ ચારે કષાયો આત્માને અસ્વસ્થ બનાવે છે. આત્માની પ્રગતિને રોકે છે, માટે શલ્ય રૂપ જ છે. તો માયાને જ શલ્ય કેમ કહેવામાં આવે છે?
ઉત્તર- શલ્યની વ્યાખ્યા માયામાં પૂર્ણરૂપે લાગુ પડે છે, જ્યારે ક્રોધ આદિમાં સંપૂર્ણ લાગુ પડતી નથી. જે દોષ ગુપ્ત રહીને વિકારો પેદા કરે તે શલ્ય. કાંટો વગેરે શલ્ય ગુપ્ત રહીને અસ્વસ્થતા આદિ વિકારો કરે છે. માયા પણ ગુપ્ત રહીને આત્મામાં વિકારો પેદા કરે છે. ક્રોધાદિ પ્રગટ થઇને ૧. માયાના વિશેષ વિવેચન માટે જુઓ અ.૮, સૂ.૧૦. ૨. નિદાન માટે જુઓ અ.૯, સૂ.૩૪. ૩. મિથ્યાત્વના વિવેચન માટે જુઓ અ.૮, સૂ.૧.