________________
૨૯૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૮
બીજી અપેક્ષાએ દ્રવ્ય-ભાવ હિંસા
આત્માના જ્ઞાનાદિ ગુણો ભાવપ્રાણ છે. વિષય-કષાય આદિ પ્રમાદથી આત્માના ગુણોનો ઘાત પણ હિંસા છે. આત્માના ગુણોનો ઘાત એ ભાવહિંસા છે. આત્માના ગુણોના ઘાત રૂપ ભાવહિંસાની અપેક્ષાએ દ્રવ્યપ્રાણોનો ઘાત એ દ્રવ્યહિંસા છે. અહીં પણ ભાવહિંસા મુખ્ય છે. આ બંને પ્રકારની હિંસાના સ્વ અને પર એમ બે ભેદ છે. પોતાના આત્માના ગુણોનો ઘાત એ સ્વભાવહિંસા અને પરના આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બનવું એ પરભાવહિંસા છે, અર્થાત્ પોતે રાગ-દ્વેષ કરવા એ સ્વભાવહિંસા છે. બીજાને રાગ-દ્વેષ થવામાં નિમિત્ત બનવું એ પરભાવહિંસા છે. ઝેર આદિથી પોતાના દ્રવ્યપ્રાણોનો ધાત એ સ્વદ્રવ્યહિંસા અને પરના દ્રવ્ય પ્રાણોનો ઘાત કરવો એ પરદ્રવ્યહિંસા છે.
પરદ્રવ્યહિંસાના ત્રણ ભેદો–
અન્યના દ્રવ્યપ્રાણના ઘાત રૂપ હિંસાને બીજી રીતે વિચારતાં હિંસાના દ્રવ્ય, ભાવ અને દ્રવ્ય-ભાવ એમ ત્રણ ભેદો છે. આ સૂત્રમાં કરેલી હિંસાની વ્યાખ્યા-દ્રવ્ય-ભાવ હિંસાની છે. કેવળ પ્રાણ વ્યપરોપણ=પ્રાણવધ એ દ્રવ્યહિંસા છે, કેવળ પ્રમત્તયોગ=અસાવધાની એ ભાવહિંસા છે. પ્રમાદ અને પ્રાણવિયોગ એ બંનેનો સમાયોગ એ દ્રવ્ય-ભાવ હિંસા છે. જ્યાં પ્રમાદના યોગે પ્રાણવિયોગ થાય છે ત્યાં દ્રવ્ય અને ભાવ એ ઉભય હિંસા છે. જ્યાં પ્રમાદ નથી છતાં પ્રાણવિયોગ થઇ જાય, ત્યાં કેવળ દ્રવ્યહિંસા છે. જ્યાં પ્રાણવિયોગ નથી, પણ પ્રમાદ છે, ત્યાં કેવળ ભાવહિંસા છે. અહીં ભાવહિંસાની મુખ્યતા છે. પ્રમાદ=અસાવધાની એ ભાવહિંસા છે. આથી અહિંસાના પાલન માટે સાધકે સદા અપ્રમત્ત=સાવધાન રહેવું જોઇએ.
પ્રશ્ન- ઉપરોક્ત ત્રણ પ્રકારની હિંસામાં કયા કયા જીવોને કઇ કઇ હિંસા સંભવે છે ?
ઉત્તર– (૧) જ્યારે કોઇ જીવ પ્રાણવધ કરવા પ્રયત્ન કરે પણ તેમાં નિષ્ફળ નીવડે ત્યારે માત્ર ભાવહિંસા હોય છે. દા.ત. શિકારી હરણને તાકીને બાણ મારે, પણ હરણને બાણ ન વાગવાથી હરણ બચી જાય. અહીં દ્રવ્યપ્રાણનો વિયોગ ન હોવાથી દ્રવ્યહિંસા નથી. પણ પ્રમાદ=જીવરક્ષાના પરિણામનો