________________
અ) ૭ સૂ) ૮]. શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૯૧ આસક્તિ રહેતી નથી. કાયા પ્રત્યે આસક્તિ ન હોવાથી કાયાના પોષણ માટે જરૂરી વસ્ત્ર, પાત્ર, વસતિ, આહાર, પાણી વગેરે જે કોઈ વસ્તુનો ઉપયોગ કરે છે તે અનાસક્ત ભાવથી કરે છે. આથી મહાવ્રતોના પાલન માટે કાયાના સ્વરૂપનું ચિંતન અતિ જરૂરી છે. નહીં તો કાયા અને અન્ય ઉપકરણો ઉપકરણને બદલે અધિકરણ બની જાય તો સાધના નિષ્ફળ જાય. (૭)
મહાવ્રતો હિંસાદિ પાંચ પાપોથી નિવૃત્તિ રૂપ હોવાથી મહાવ્રતોના પાલન માટે પ્રથમ હિંસા આદિ પાંચ પાપોનું જ્ઞાન અનિવાર્ય છે. આથી હવે ક્રમશઃ હિંસાદિ પાપોની વ્યાખ્યા જણાવે છે.
હિંસાની વ્યાખ્યાप्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ॥ ७-८ ॥ પ્રમાદના યોગે પ્રાણનો વિયોગ એ હિંસા છે.
પાંચ ઇન્દ્રિયો, મનોબળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળો, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રકારના દ્રવ્યપ્રાણ છે. એ પ્રાણનો વિયોગ કરવો તે હિંસા.
દ્રવ્ય-ભાવહિંસા
પ્રશ્ન– આ પ્રાણો આત્માથી જુદા છે. પ્રાણોના વિયોગથી આત્માનો વિનાશ થતો નથી. તો પછી પ્રાણોના વિયોગમાં અધર્મ=પાપ કેમ લાગે ?
ઉત્તર–પ્રાણના વિયોગથી આત્માનો નાશ થતો નથી, પણ આત્માને દુઃખ અવશ્ય થાય છે. પ્રાણના વિયોગથી આત્માને દુઃખ થાય છે માટે જ પ્રાણ વિયોગથી અધર્મ પાપ લાગે છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાણવિયોગ એ જ અધર્મ=પાપ કે હિંસા છે એમ નથી, કિન્તુ અન્યને દુઃખ આપવું એ પણ અધર્મ હિંસા છે. મુખ્ય હિંસા પણ આ જ છે. પ્રાણ વિયોગ એ ગૌણ હિંસા છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ તો બીજાને દુ:ખ આપવું એ નિશ્ચય હિંસા છે અને પ્રાણવિયોગ એ વ્યવહાર હિંસા છે. વ્યવહાર હિંસા નિશ્ચય હિંસાનું કારણ છે માટે તેનાથી પાપ લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો દુઃખ આપવું એ ભાવહિંસા છે અને પ્રાણવિયોગ એ દ્રવ્યહિંસા છે.
૧. પ્રમાદનો અર્થ વિશાળ છે. પણ અહીં મુખ્યતયા જીવરક્ષા પરિણામના અભાવરૂપ પ્રમાદ
વિવક્ષિત છે. પ્રમાદના વિસ્તૃત અર્થ માટે જુઓ અ.૮ સૂ.૧.