________________
૨૯૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૭ સંવેગનું ચિહ્ન (=માપક યંત્ર)- સંસાર ઉપર અરતિ થતાં ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે બહુમાન અવશ્ય જાગે છે. આથી ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે બહુમાન એ સંવેગને જાણવા માટે ચિહ્ન=માપક યંત્ર છે. ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે બહુમાન થતાં ધર્મની જિજ્ઞાસા થવાથી અતિપ્રેમથી ધર્મશ્રવણ થાય છે, અને ધાર્મિક પુરુષોનાં દર્શનથી અત્યંત આનંદ થાય છે. પોતે જે સાધના કરતો હોય તેનાથી અધિક સાધના કરવાની ઈચ્છા રહ્યા કરે છે. એ માટે શક્ય પ્રયત્ન પણ કરે છે. આથી અતિપ્રેમથી ધર્મનું શ્રવણ, ધાર્મિક પુરુષોનાં દર્શનથી થતો આનંદ અને અધિક સાધનાની ઇચ્છા એ ત્રણ ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે જાગેલા બહુમાનનાં લક્ષણો છે. ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે જાગેલું બહુમાન એ સંવેગનું લક્ષણ છે.
કાયાના સ્વરૂપની વિચારણાથી વૈરાગ્યની પુષ્ટિ
કોઈ પણ પ્રકારની આસક્તિ સાધનામાં બાધક છે. પાંચ મહાવ્રતોના સાધકે સંસારના સર્વ પદાર્થોનો ત્યાગ કરી દીધો હોય છે. એની પાસે મહાવ્રતોની સાધનામાં જરૂરી ઉપકરણો હોય છે. એનું શરીર પણ ઉપકરણ રૂપ જ હોય છે. ઉપકરણ એટલે સંયમની સાધનામાં સહાયક વસ્તુ. શરીર અને વસ્ત્રો વગેરે સંયમની સાધનામાં સહાયક બનતાં હોવાથી સાધુઓ તેનું રક્ષણ કરે છે, પણ અનાસક્ત ભાવથી. તેમાં જો આસક્તિભાવ આવી જાય તો તે ઉપકરણ બનવાને બદલે અધિકરણ (સંસારમાં સહાયક બની જાય છે. આથી સાધકે બિન જરૂરી કોઈ વસ્તુ રાખવાની નથી, અને જરૂરી વસ્તુનો ઉપયોગ પણ આસક્તિ વિના કરવાનો છે, તેમાં પણ કાયા ઉપર આસક્તિ ન રહે એ માટે બહુ જ સાવધ રહેવાની જરૂર છે. દરેક જીવને સામાન્યથી અન્ય પદાર્થોની અપેક્ષાએ કાયા ઉપર અધિક આસક્તિ હોય છે. અન્ય પદાર્થો ઉપરથી આસક્તિ દૂર થયા પછી પણ કાયા ઉપરની આસક્તિ દૂર થવી ઘણી કઠિન છે. જો સાવધ રહેવામાં ન આવે તો કાયાની આસક્તિ અન્ય પદાર્થો ઉપર પણ આસક્તિ કરાવે છે. એટલે કાયા ઉપર આસક્તિભાવ ન થાય અને થયો હોય તો દૂર થાય એ માટે સાધકે સંસારના સ્વરૂપની વિચારણા સાથે કાયાના સ્વરૂપની વિચારણા પણ કરવી જોઇએ. કાયાના સ્વરૂપની વિચારણાથી કાયા અશુચિમય અને અનિત્ય જણાય છે. આથી કાયા પ્રત્યે