________________
અ૦ ૭ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૮૯
ઉપેક્ષા ભાવનાને યોગ્ય છે કે નહિ તે દીર્ઘદષ્ટિથી વિચારવું, અન્યથા ઉપેક્ષા ભાવનાને અયોગ્ય જીવ ઉપર ઉપેક્ષા ભાવના કરવાથી પોતાને આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દૃષ્ટિએ ઘણું નુકસાન થાય. (૬)
મહાવ્રતોની સ્થિરતા માટે બીજી રીતે વિચારણા जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥ ७-७ ।। સંવેગ અને વૈરાગ્યની પુષ્ટિ માટે સંસાર અને કાયાનું સ્વરૂપ વિચારવું જોઇએ.
સંવેગ એટલે સંસારનો ભય=સંસાર ઉપર કંટાળો. વૈરાગ્ય એટલે અનાસક્તિ. સંસારના સ્વરૂપની વિચારણાથી સંવેગની અને કાયાના સ્વરૂપની વિચારણાથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે.
સંસાર સ્વરૂપની વિચારણાથી સંવેગની પુષ્ટિ– મહાવ્રતોનું પાલન એ મહાન આધ્યાત્મિક સાધના છે. આ સાધના સંસારનો નાશ કરવા માટે છે. સંસારનો નાશ એ એનું ફળ છે. સંસાર ઉપર કંટાળો આવ્યા વિના તેના નાશનો પ્રયત્ન શક્ય નથી. આથી સાધનામાં સંવેગની પહેલી જરૂર છે. જેટલા અંશે સંવેગ તીવ્ર એટલા અંશે સાધના પ્રબળ બને છે. સંવેગને તીવ્ર બનાવવા સંસારના સ્વરૂપને વિચારવાની જરૂર છે. સંસારના સ્વરૂપને વિચારતાં સંસાર દુઃખસ્વરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી લાગે છે. સંસારનાં ભૌતિક સુખનાં સાધનો અનિત્ય=ક્ષણભંગુર અને અશરણ ભાસે છે. સંસારનું સુખ પણ દુ:ખ રૂપ દેખાય છે. આથી સંસાર ઉપર કંટાળો આવે છે અને સંસારનો નાશ કરવાની ઇચ્છા થાય છે. એથી સંસારનાં કારણો તરફ દૃષ્ટિ જાય છે. સંસારનાં કારણોનો નાશ કર્યા વિના સંસારનો નાશ અશક્ય જ છે. સંસારનાં કારણો હિંસા આદિ છે. આથી તે સાધકને હિંસા આદિ ઉપર પણ અતિ ઉત્પન્ન થાય છે. સંસાર અને સંસારનાં કારણો ઉપર અતિ એનું જ નામ સંવેગ. આથી અહીં સંવેગને પુષ્ટ બનાવવા સંસારના સ્વરૂપને વિચારવાનો ઉપદેશ આપ્યો છે.
૧. સામાન્યથી સંવેગનો મોક્ષાભિલાષ અર્થ અને નિર્વેદનો સંસારભય અર્થ વધારે પ્રસિદ્ધ છે. છતાં કોઇ કોઇ ગ્રંથોમાં આનાથી વિપરીત, એટલે કે સંવેગનો સંસાર ભય અને નિર્વેદનો મોક્ષાભિલાષ અર્થ પણ જોવા મળે છે.