________________
અ૦ ૭ સૂ૦ ૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૯૩ અભાવ હોવાથી ભાવહિંસા છે. એ પ્રમાણે અંધારામાં દોરડાને સર્પ માની મારવાનો પ્રયત્ન કરવામાં માત્ર ભાવહિંસા થાય છે. આ બંને દષ્ટાંતોમાં હિંસા માટે કાયાથી પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા મળવાથી માત્ર ભાવહિંસા થઈ એ વિચાર્યું. જયારે કોઈ ક્રોધાવેશમાં આવીને અન્યને ગમે તેવાં હિંસાત્મક વચનો બોલે છે, મૃત્યુ માટે શ્રાપ આપે છે, ત્યારે પણ ભાવહિંસા થાય છે. હજી આગળ વધી વિચારીએ તો જણાશે કે હિંસા માટે કાયિક પ્રયત્ન અને વચન પ્રયોગ વિના માત્ર મનમાં હિંસાના વિચારથી ભાવહિંસા થાય છે. જેમ કે તંદુલ મ. આ મત્સ્ય તંદુલના( ચોખાના) દાણા જેડવો હોય છે. માટે તેને તંદુલ મત્સ્ય કહેવામાં આવે છે. તે મહામત્સ્યની આંખની પાંપણમાં ઉત્પન્ન થાય છે. મહામસ્ય કેટલાંક માછલાં ગળી જાય છે ત્યારે તેની સાથે થોડુંક પાણી પણ તેના મુખમાં દાખલ થઇ જાય છે. આ પાણીને તે બહાર કાઢે છે ત્યારે પાણીની સાથે દાંતોની પોલાણમાંથી કેટલાક નાનાં નાનાં માછલાં પણ બહાર નીકળી જાય છે. આ જોઈને તંદુલ મત્સ્ય વિચારે છે કે હું મહામત્સ્ય હોઉં તો એક પણ માછલાને આવી રીતે નીકળવા ન દઉં, સઘળાં માછલાઓનું ભક્ષણ કરી જાઉં. આવા દારુણ હિંસાના અધ્યવસાયથી તે સતત ભાવહિંસા કર્યા કરે છે, અને માત્ર અંતર્મુહૂર્ત જેટલા આયુષ્યમાં સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. હજી સૂક્ષ્મ દૃષ્ટિથી ભાવહિંસાને વિચારીએ. હિંસા માટે કાયાથી પ્રયત્ન ન કરે, વચનથી બોલે નહિ અને મનમાં વિચારણા ન કરે તો પણ જો આત્મામાં જીવરક્ષાના પરિણામ ન હોય તો ભાવહિંસા થાય છે. આથી જીવરક્ષાના પરિણામ રહિત સર્વ જીવો સદા ભાવહિંસાનું પાપ બાંધે છે.
(૨) રક્ષાના પરિણામથી રહિત જીવ જ્યારે પ્રાણવધ કરે છે ત્યારે દ્રવ્યભાવહિંસા કરે છે.
(૩) ગૃહસ્થવાસમાં રહેલ જે સાધક હિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા સમજે છે અને હિંસાથી સર્વથા નિવૃત્ત થઈ જવાની તીવ્ર ઈચ્છા રાખે છે, છતાં સંયોગોની વિપરીતતાથી સર્વથા હિંસાથી નિવૃત્ત થઈ શકતો નથી, તે સાધકથી દુભાતા દિલે થતી જીવન નિર્વાહ માટે અનિવાર્ય હિંસા દ્રવ્યહિંસા છે. આમ સંસારમાં રહેલા મનુષ્યોમાં ત્રણ પ્રકારની હિંસા સંભવે છે.