________________
૨૮૪
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦૪ ભયભીત રહેવું પડે છે. ચોરી લાવેલી વસ્તુઓના રક્ષણ માટે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવો પડે છે. સદા મન ભયભીત હોવાથી ભોગ-ઉપભોગ પણ શાંતિથી કરી શકતો નથી. પોલીસ આદિના હાથે પકડાઈ જાય તો જેલ, અપકીર્તિ વગેરે દુ:ખો પામે છે. (૪) અબ્રહ્મમાં (મૈથુન સેવનમાં) આસક્ત પ્રાણી વીર્યક્ષય, અશક્તિ, પરસ્ત્રીની સોબત કરવાથી અપકીર્તિ, પ્રાણનો નાશ વગેરે અનેક દુઃખો પામે છે. (૫) ધન મેળવવા ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે અનેક કષ્ટો સહન કરવો પડે છે. ધન મેળવવા માટે શારીરિક અનેક કષ્ટો સહન કરવા છતાં જો ન મળે તો માનસિક ચિંતા આદિ દુઃખ ઉત્પન્ન થાય છે. કદાચ ધન મળી જાય તો તેના રક્ષણ માટે અનેક કષ્ટો સહન કરવો પડે છે. ચોર આદિ લઈ ન જાય તેની ચિંતા, ભય વગેર માનસિક દુઃખો પણ સદા રહ્યા કરે છે. ધન ઘણું મળવા છતાં તૃપ્તિ થતી નથી, સદા મન અતૃપ્ત રહે છે. અતૃપ્ત માણસ કદી શાંતિ પામતો નથી. પુણ્ય પરવારી જતાં ધનનો નાશ થાય તો કેટલાકનું હૃદય બંધ પડી જાય છે. કેટલાકને અતિસાર, સંગ્રહણી વગેરેથી ઝાડાનો રોગ થાય છે અથવા મરણ સુધી માનસિક પરિતાપ રહ્યા કરે છે. લોભી માણસ ધન મેળવવાની લાલસામાં વિવેક પણ ભૂલી જાય છે. હું કયા સ્થાનમાં છું, અમુક સ્થાનમાં રહેલા મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ વગેરે ભૂલી જાય છે. આથી આ લોકમાં અનેકની સાથે ક્લેશ-કંકાસ, વૈમનસ્ય વગેરે થવાથી લોકમાં અપ્રિય બની જાય છે. આગળ વધીને વિવેક ભૂલીને માતા-પિતા આદિને મારવા સુધીની પ્રવૃત્તિ કરે છે. આથી આ લોકમાં અપકીર્તિ આદિ પામે છે. આમ પરિગ્રહી-લોભી જીવ આ લોકમાં શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં કષ્ટો પામે છે.
પરલોકમાં કરુણ વિપાક
પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા કોઈ જીવને હિંસાદિ પાપોથી કદાચ આ લોકમાં ઉપર કહેલાં દુઃખો અલ્પ થાય કે ન થાય, તો પણ પરલોકમાં તો અવશ્ય એ પાપોનો કરુણ વિપાક ભોગવવો પડે છે. પરલોકમાં તેના માટે અશુભગતિ તૈયાર હોય છે. ત્યાં શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં દુઃખો ભોગવવાં પડે છે. તિર્યંચગતિમાં શીત, તાપ, પરાધીનતા વગેરે કષ્ટો સહન કરવો પડે છે. નરકગતિ તો કેવળ દુઃખો ભોગવવા માટે જ છે. ત્યાં