________________
અ૦ ૭ સૂ૦ ૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૮૧
(૨) મનોગુપ્તિ– આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાનમાં મનનો ઉપયોગ રાખવો.૧ (૩) એષણાસમિતિ–ગવેષણા, ગ્રહણૈષણા અને ગ્રાસૈષણા એ ત્રણ પ્રકા૨ની એષણામાં ઉપયોગપૂર્વક વર્તવું.૨ (૪) આદાન નિક્ષેપણા સમિતિ— આદાન એટલે લેવું અને નિક્ષેપણા એટલે મૂકવું. વસ્તુ લેવી હોય ત્યારે તેનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને લેવી. તથા વસ્તુ મૂકવી હોય ત્યારે ભૂમિનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને મૂકવી. (૫) આલોકિતપાન-ભોજન– આહારમાં ઉત્પન્ન થયેલા કે આગંતુક જીવોની રક્ષા માટે દરેક ઘરે પાત્રમાં લીધેલો આહાર ઉપયોગપૂર્વક જોવો, ઉપાશ્રયમાં આવ્યા પછી ફરી પ્રકાશવાળા સ્થાનમાં તે આહાર જોવો, પછી પ્રકાશવાળા સ્થાને બેસી ભોજન કરવું. (૨) બીજા મહાવ્રતની ભાવનાઓ–
(૧) અનુવીચિભાષણ– અનુવીચિ એટલે વિચાર. વિચારપૂર્વક બોલવું તે અનુવીચિભાષણ. (૨) ક્રોધપ્રત્યાખ્યાન– ક્રોધનો ત્યાગ કરવો. (૩) લોભપ્રત્યાખ્યાન– લોભનો ત્યાગ કરવો. (૪) ભયપ્રત્યાખ્યાન– ભયનો ત્યાગ કરવો. (૫) હાસ્યપ્રત્યાખ્યાન– હાસ્યનો ત્યાગ કરવો. ૧. આર્ત વગેરે ધ્યાનની સમજૂતી માટે જુઓ અ.૯, સૂત્ર-૩૧ વગેરે.
૩
૨. સાધુઓને દેહ ટકાવવા આહારની જરૂર પડે તો ગૃહસ્થના ઘરે જઇ કોઇ પણ જાતનો દોષ ન લાગે તેમ એષણા=તપાસ કરીને આહાર લાવવાનો છે. આહાર લાવ્યા પછી સૃદ્ધિ આદિ દોષ રહિત વાપરવાનો છે. આહાર લાવવામાં કયા કયા દોષો સંભવિત છે એ બતાવતાં શાસ્ત્રમાં મુખ્યતયા ૪૨ દોષો જણાવ્યા છે. તેમાં ગવેષણાના ૩૨ અને ગ્રહણૈષણાના ૧૦ એમ કુલ ૪૨ દોષો આહાર લાવવામાં સંભવે છે. ગવેષણાના ૩૨ દોષોના બે વિભાગ છે. ૧૬ ઉદ્ગમ દોષો અને ૧૬ ઉત્પાદન દોષો છે. ઉદ્ગમ એટલે આહારની ઉત્પત્તિમાં થતા દોષો. આ દોષો ગૃહસ્થ થકી ઉત્પન્ન થાય છે. ઉત્પાદન એટલે ઉત્પન્ન કરવા. ગૃહસ્થના ઘરે આહારની ઉત્પત્તિમાં કોઇ દોષ ન લાગ્યો હોય, પણ સાધુ પ્રમાદવશ એમાં દોષો ઉત્પન્ન કરે તે ઉત્પાદન દોષ. આહારની ઉત્પત્તિમાં કોઇ દોષ ન લાગ્યો હોય અને સાધુએ પણ કોઇ દોષ લગાડ્યો ન હોય, પણ આહાર ગ્રહણ કરતી વખતે જે દોષો ઉત્પન્ન થાય તે ગ્રહણૈષણાના દોષો કહેવાય છે. ગવેષણાના અને ગ્રહણૈષણાના દોષથી રહિત ભિક્ષા લાવ્યા પછી પણ આહાર વાપરતાં જે દોષો લાગે તે ગ્રાસૈષણાના દોષો છે. આ દોષો પાંચ છે. આ સઘળાં દોષોનું વિસ્તારથી વર્ણન પિંડનિર્યુક્તિ આદિમાં છે.
૩. ઇહલોક(મનુષ્યને મનુષ્યથી)ભય, પરલોક(મનુષ્યને તિર્યંચથી)ભય, આદાન(કોઇ લઇ જશે એવો)ભય, અકસ્માત્(વીજળી વગેરેનો)ભય, આજીવિકા(જીવન નિર્વાહનો)ભય, મરણભય, અપકીર્તિભય આ સાત પ્રકારના ભયનો ત્યાગ કરવો.