________________
અ૦ ૭ સૂ૦ ૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૭૯
આ વ્રત લેનાર સદા નિર્ભય રહે છે. તથા લોકાપવાદ, અપકીર્તિ, રાજદંડ આદિ અનેક અનર્થોથી બચી જાય છે.
(૪) સ્થૂલમૈથુનવિરમણ વ્રત– સ્વપત્નીથી અન્ય કોઇ પણ સ્ત્રીની સાથે અથવા પરસ્ત્રી' સાથે મૈથુનનો ત્યાગ.
ફળ– જીવન સદાચારી બને છે. પરસ્ત્રીગમનના મહાન પાપથી અને એનાથી ઉત્પન્ન થતા લોકાપવાદ, પ્રાણનાશભય આદિ અનેક અનર્થોથી બચી જવાય છે.
(૫) સ્થૂલપરિગ્રહવિરમણ વ્રત– રોકડ નાણાં, દાગીના, ઘર, દુકાન, રાચરચીલું વગેરે દરેકનો અમુક અમુક પ્રમાણથી વધારેનો ત્યાગ, અથવા રોકડનાણાં વગેરે બધું ભેગું મળીને અમુક મિલ્કતથી વધારે મિલકતનો ત્યાગ. ફળ— સંતોષ આવે છે. જીવન સ્વસ્થ બને છે. મન અનેક ચિંતાઓથી મુક્ત બને છે.
મહાવ્રત-અણુવ્રતમાં અન્ય વિશેષતા– (૧) પાંચે મહાવ્રતોનો સાથે સ્વીકાર કરવાનો હોય છે. અર્થાત્ પોતાની અનુકૂળતા પ્રમાણે એક, બે એમ છૂટાં છૂટાં મહાવ્રતનો સ્વીકાર ન થઇ શકે. જ્યારે અણુવ્રતોમાં પોતાની અનુકૂળતા મુજબ એક, બે વગેરે અણુવ્રતો સ્વીકારી શકે છે. (૨) પાંચ મહાવ્રતોમાં મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ કોટિએ પાપનો ત્યાગ કરવામાં આવે છે. હિંસા આદિ મનથી કરવું નહિ, વચનથી કરવું નહિ, કાયાથી પણ કરવું નહિ એમ મન આદિ ત્રણથી કરાવવું પણ નહિ, અન્ય કરતો હોય તેનું અનુમોદન પણ કરવું નહિ. આમ કોઇ જાતના અપવાદ વિના પાંચ મહાવ્રતોનો સ્વીકાર થાય છે. અણુવ્રતોમાં પાપોનો મન, વચન અને કાયાથી કરવાનો અને કરાવવાનો ત્યાગ થાય છે, પણ અનુમોદનાનો ત્યાગ થતો નથી. એમાં પણ સંક્ષેપ કરવો હોય=છૂટ લેવી હોય તો લઇ શકાય છે. પાંચ મહાવ્રતોમાં કોઇ જાતની છૂટ લઇ શકાતી નથી.
૧. અહીં પરસ્ત્રી એટલે પરની-બીજાની સ્ત્રી એવો અર્થ હોવાથી કુમારિકા, વિધવા, વેશ્યા વગેરેનો ત્યાગ થતો નથી. કારણ કે કુમારિકા વગેરે વર્તમાનમાં કોઇની સ્ત્રી નથી. જ્યારે સ્વપત્નીથી અન્ય કોઇ પણ સ્ત્રીના ત્યાગમાં કુમારિકા વગેરેનો પણ ત્યાગ થાય છે.