________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨
(૩) ભૂમિ-અલીક– ભૂમિ સંબંધી અસત્ય. ભૂમિ ફળદ્રુપ ન હોવા છતાં ફળદ્રુપ કહીને અન્યને ઠગવાનો પ્રયત્ન કરવો વગેરે. અહીં ભૂમિના ઉપલક્ષણથી સર્વપ્રકારની સંપત્તિ સંબંધી અસત્યનો ભૂમિ-અલીકમાં સમાવેશ થાય છે.
૨૭૮
(૪) ન્યાસ-અપહાર– ન્યાસ એટલે થાપણ. પૂર્વે થાપણ રૂપે મૂકેલા પૈસા લેવા આવે ત્યારે નથી આપ્યા એમ કહીને થાપણનો અપહાર=અસ્વીકાર કરવો તે ન્યાસ-અપહાર. જો કે આ ચોરીનો જ એક પ્રકાર છે. છતાં એ ચોરી અસત્ય બોલીને કરાતી હોવાથી, એમાં અસત્યની પ્રધાનતા હોવાથી એનો અસત્યમાં સમાવેશ કર્યો છે.
(૫) કૂટસાક્ષી– કોર્ટ આદિના પ્રસંગે કોઇની ખોટી સાક્ષી પૂરવી. ખોટી સાક્ષીથી બીજાના પાપને પણ પુષ્ટિ મળતી હોવાથી ફૂટસાક્ષી અસત્યને ઉપરના ચાર અસત્યથી જુદો ગણેલ છે. અસત્યના અનેક પ્રકાર છે, તેમાં આ પાંચ પ્રકારના અસત્યથી આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દૃષ્ટિએ ઘણું જ નુકસાન થાય છે. આથી ગૃહસ્થે આ સ્થૂલ પાંચ અસત્યનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ. આ અસત્યોથી કેટલીક વાર પોતાના કે પરના પ્રાણ જવાનો પણ પ્રસંગ ઉપસ્થિત થાય, પરસ્પર વૈમનસ્ય ઊભું થાય, લોકમાં પોતાના પ્રત્યે અવિશ્વાસ પેદા થાય વગેરે અનેક નુકસાનો થાય છે. પરિણામે વ્યવહાર બગડે છે અને એને લઇને ધર્મને પણ ધક્કો પહોંચે છે.
કોઇનો જીવ બચાવવા અસત્ય બોલવું પડે તો તેનો આ નિયમમાં સમાવેશ થતો નથી. કારણ કે તે વાસ્તવિક અસત્ય નથી.
ફળ– લોકોને(=લાગતા વળગતાઓને) પોતાના પ્રત્યે વિશ્વાસ પેદા થાય છે. અસત્યના યોગે થતા ક્લેશ-કંકાસ, મારામારી, દુશ્મનાવટ આદિ અનેક અનર્થોથી બચી જવાય છે.
(૩) સ્થૂલઅદત્તાદાનવિરમણ વ્રત– જેને વ્યવહારમાં ચોરી કહેવામાં આવે તેવી ખીસું કાપવું, દાણચોરી વગેરે સ્થૂલ ચોરીનો ત્યાગ. (રસ્તામાંથી પથ્થર, ઘાસ આદિ લેવું વગેરે સૂક્ષ્મ ચોરીનો ત્યાગ થતો નથી.)
ફળ– ચોરી કરનાર બહારથી ગમે તેમ વર્તતો હોવા છતાં અંદરથી ફફડતો હોય છે. પકડાઇ જવાના ભયથી હૃદયમાં ફફડતો હોય છે. આથી