________________
અ૦ ૭ સૂ૦ ૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૭૫
વરસાદ રોકવો અશક્ય છે, પણ છત્રી આદિ સાધનોથી આપણું શરીર કે કપડા ભીનાં ન થાય એ શક્ય છે તેમ.
બીજી વાત. કર્મબંધના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર કારણો છે. એ દૃષ્ટિએ પણ પ્રથમ મિથ્યાત્વના ત્યાગપૂર્વક અવિરતિનો=પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઇએ. અવિરતિના ત્યાગ પછી જ કષાયોનો (રાગદ્વેષનો) ત્યાગ થઇ શકે છે અને પછી જ યોગનો ત્યાગ થઇ શકે છે.
ત્રીજી વાત. પાંચ આસ્રવ રાગ-દ્વેષ રૂપ શત્રુના હથિયાર રૂપ છે. શત્રુમાં બળ ગમે તેટલું હોય પણ જો તે હથિયારથી રહિત હોય તો ઢીલો પડી જાય છે, રાંક બની જાય છે. ગુસ્સો આવ્યો, પણ હિંસાદિનો નિયમ હોવાથી જીવને મરાય નહિ, અસત્ય બોલાય નહિ. આમ ગુસ્સો અકિંચિત્કર બની જાય છે. આમ હિંસાદિના નિયમથી રાગાદિ નિર્બળ બની જવાથી પોતાનું કાર્ય ન કરી શકવાથી અકિંચિત્કર બની જાય છે. પાંચ પાપોનો સર્વથા ત્યાગ કર્યા પછી રાગ-દ્વેષ સંસારના પોષક નહિ, કિંતુ શોષક બને, સાધનામાં બાધક નહિ, કિંતુ સાધક બને. જેમ ગટરનું ગંદું પાણી પીવામાં આવે તો રોગ થાય, પણ એ જ પાણી સૂર્યની ગરમીથી શોષાઇને=વરાળ બનીને ઉપર જાય. તેમાંથી વાદળો બંધાય, પછી વરસાદ દ્વારા નીચે આવે. હવે એ પાણી રોગ ન કરે, કિંતુ આરોગ્ય કરે. જે પાણી પહેલાં રોગ કરનારું હતું તે જ પાણી હવે આરોગ્ય કરનારું થઇ ગયું. કારણ કે એનું શુદ્ધિકરણ થઇ ગયું છે. એ જ પ્રમાણે મિથ્યાત્વ-અવિરતિની સાથે રહેલા કષાયો સંસારપોષક બને છે. સમ્યગ્દર્શન-વિરતિની સાથે રહેલા કષાયો સંસારશોષક બને છે. કારણ કે કષાયોનું શુદ્ધિકરણ થઇ ગયું હોય છે, અર્થાત્ કષાયો પ્રશસ્ત બની ગયા હોય છે.
ચોથી વાત. કરેમિ ભંતે સૂત્રનો પાઠ બોલીને સામાયિક કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. સામાયિક એટલે સમતા. સમતા એટલે કષાયોનો અભાવ. પણ અહીં સર્વથા કષાયોનો અભાવ અશક્ય છે. એટલે તે તે કક્ષાના સાધકને આશ્રયીને અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનાવરણ રૂપ કષાયોનો (રાગદ્વેષનો) નિયમ લેવામાં આવે જ છે. (૧)