________________
૨૭૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૧ પિતા-પુત્રની જેમ સાપેક્ષ છે. હિંસા આદિથી નિવૃત્ત થતાં જીવ શાસ્ત્રવિહિત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. અહીં નિવૃત્તિની પ્રધાનતાથી વ્રતને નિવૃત્તિરૂપ બતાવવામાં આવેલ છે.
પ્રશ્ન- સર્વ સાધનાનું ધ્યેય રાગ-દ્વેષને દૂર કરવાનું છે. કારણ કે રાગષથી પાપપ્રવૃત્તિ થાય છે. પાપપ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. કર્મબંધથી સંસારમાં પરિભ્રમણ થાય છે. સંસારપરિભ્રમણમાં કેવળ દુઃખનો જ અનુભવ થાય છે. આમ દુઃખનું મૂળ રાગ-દ્વેષ(=કષાયો) છે. આથી વ્રતીએ રાગવૈષ-કષાયો નહિ કરવાનો નિયમ લેવો જોઇએ. રાગ-દ્વેષ દૂર થતાં પાપપ્રવૃત્તિ એની મેળે જ અટકી જાય, ચાવી ખલાસ થતાં ઘડિયાળ અટકે છે તેમ. આથી રાગ-દ્વેષ નહિ કરવાના નિયમનું વિધાન ન કરતાં હિંસા આદિ પાપથી અટકવાના નિયમનું વિધાન કેમ કરવામાં આવ્યું છે ?
ઉત્તર– વાત સત્ય છે. સકળ દુઃખોનું મૂળ રાગ-દ્વેષ-કષાયો છે. આથી રાગ-દ્વેષને દૂર કરવા એ સાધનાનું મુખ્ય ધ્યેય છે. છતાં રાગ-દ્વેષ માનસિક પરિણામ હોવાથી પ્રારંભમાં સર્વથા દૂર ન થઈ શકે. એટલે પ્રથમ તો રાગવૈષને જેનાથી પુષ્ટિ મળતી હોય તેને અટકાવવાની જરૂર છે. પુષ્ટિના અભાવે સમય જતાં રાગ-દ્વેષ સર્વથા નષ્ટ થઈ જાય. રોગનો નાશ કરવો હોય તો પ્રથમ જે કારણોથી રોગ વૃદ્ધિ પામતો હોય તે કારણો દૂર કરવાં જોઇએ. પછી દવા લેવાથી રોગને જતાં વાર ન લાગે. તેમ અહીં રાગ-દ્વેષ પાપની પ્રવૃત્તિથી વૃદ્ધિ પામે છે. માટે પ્રથમ તેને અટકાવવી જોઇએ. પછી શુભ પ્રવૃત્તિ રૂપ દવાનું સેવન કરવાથી અલ્પકાળમાં રાગ-દ્વેષ રૂપ રોગનો નાશ થઈ જાય. જેમ જીવન ટકાવવા આહાર જોઇએ છે, આહાર ન મળે તો મૃત્યુ થાય છે, તેમ રાગ-દ્વેષને જીવવા પાપપ્રવૃત્તિ આહાર છે. આથી જો પાપપ્રવૃત્તિ રૂપ આહાર બંધ કરવામાં આવે તો રાગ-દ્વેષ-કષાયો લાંબો સમય ન ટકી શકે. એટલે સાધકે સર્વ પ્રથમ હિંસા આદિ પાપનો ત્યાગ કરવાપૂર્વક શુભ અનુષ્ઠાનોનું સેવન કરવું એ જ હિતાવહ છે. પાપો અનેક પ્રકારનાં છે. તેમાં અહીં જણાવેલાં હિંસા આદિ પાંચ પાપો મુખ્ય છે. આથી સર્વપ્રથમ એ પાંચ પાપોનો ત્યાગ કરવાનું વિધાન છે. પ્રારંભમાં રાગ-દ્વેષનો સર્વથા ત્યાગ અશક્ય છે. પણ રાગ-દ્વેષથી થતાં પાપોનો સર્વથા ત્યાગ શક્ય છે, જેમ