________________
અ૦ ૬ સૂ૦ ૨૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૬૯
દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એ પાંચ પ્રકારનું અંતરાય કર્મ છે. અન્યને દાનમાં વિઘ્ન (=અંતરાય) કરવામાં આવે તો દાનાંતરાય, લાભમાં વિઘ્ન કરવામાં આવે તો લાભાંતરાય, ભોગમાં અંતરાય કરવામાં આવે તો ભોગાંતરાય, ઉપભોગમાં અંતરાય કરવામાં આવે તો ઉપભોગાંતરાય અને વીર્યમાં અંતરાય કરવામાં આવે તો વીર્યંતરાય કર્મનો આસ્રવ=બંધ થાય છે.
દાન–સ્વ પરના અનુગ્રહની બુદ્ધિથી સ્વવસ્તુ પરને આપવી. લાભ– વસ્તુની પ્રાપ્તિ. ભોગ– એક જ વાર ભોગવી શકાય તેવા શબ્દાદિ વિષયોનો ઉપયોગ કરવો. ઉપભોગ– અનેકવાર ભોગવી શકાય તેવા સ્ત્રી, વસ્ત્ર આદિ પદાર્થોનો ઉપયોગ કરવો. વીર્ય– આત્મિક શક્તિ.
(૧) દાનાંતરાય– દાન આપનાર દાન ન આપી શકે તેવો પ્રયત્ન કરીને દાનમાં વિઘ્ન કરવો. શાનદાન આદિ અનેક પ્રકારે દાન છે. જે જે દાનમાં વિઘ્ન કરવામાં આવે તે તે દાનાંતરાય કર્મ બંધાય. જ્ઞાનદાન કરનારને (=ભણાવનારને) જ્ઞાનદાનમાં અંતરાય કરવાથી જ્ઞાનદાનાંતરાય કર્મ બંધાય. જેથી એ કર્મ ઉદયમાં આવતાં જ્ઞાન હોવા છતાં બીજાને જ્ઞાન આપી શકાય નહિ. કોઇના સત્કાર-સન્માનના દાનમાં અંતરાય કરવાથી ગુણીને સત્કાર-સન્માનનું દાન ન કરી શકાય તેવાં કર્મો બંધાય. એ પ્રમાણે સુપાત્રદાન, અભયદાન વગેરે વિશે પણ સમજવું.
(૨) લાભાંતરાય— જ્ઞાન, ધન આદિની પ્રાપ્તિમાં અન્યને વિઘ્ન કરવાથી જ્ઞાન, ધન આદિના લાભાંતરાયના કર્મો બંધાય છે. જેમ કે બીજાને જ્ઞાનપ્રાપ્તિમાં વિઘ્ન ક૨વો, ચોરી, અનીતિ વગેરે કરી અન્યના ધનલાભમાં અંતરાય કરવો વગેરે.
(૩) ભોગાંતરાય– નોકર આદિને સમયસર ખાવા ન આપવું કે સમયસર ખાઇ ન શકે તેવાં કાર્યો બતાવવા વગેરે રીતે બીજાના ભોગમાં અંતરાય કરવાથી ભોગાંતરાય કર્મ બંધાય.
(૪) ઉપભોગાંતરાય–પરસ્ત્રી અપહરણ, ક્લેશ-કંકાસ કરાવવો વગેરે રીતે સ્ત્રી આદિના ઉપભોગમાં વિઘ્ન કરવાથી ઉપભોગાંતરાય કર્મ બંધાય.
૧. પાંચ અંતરાયની વિશેષ વિગત માટે જુઓ અ.૮, સૂત્ર-૧૪. ૨. દાનના સ્વરૂપ માટે જુઓ અ.૭, સૂ.૩૩-૩૪.