________________
અ૦ ૬ સૂ૦ ૧૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
હિંસાનું અનુમોદન કરે છે, કારણ કે હિંસાથી તૈયાર થયેલા સમવસરણનો ઉપયોગ કરે છે. સર્વજ્ઞ હોવાથી મોક્ષનાં સર્વ પ્રકારના ઉપાયો જાણવા છતાં આવા તપ-ત્યાગ આદિ કઠીન ઉપાયો બતાવ્યાં છે. નિગોદમાં અનંત જીવો ન હોઇ શકે. ઇત્યાદિ રૂપે કેવળીનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
૨૫૯
(૨) શ્રુત– અર્થથી તીર્થંકર પ્રણીત અને સૂત્રથી ગણધર ગ્રંથિત આચારાંગ વગેરે અંગસૂત્રો, ઔપપાતિક વગેરે ઉપાંગ સૂત્રો, છેદ ગ્રંથો વગેરે શ્રુત છે. સૂત્રો પ્રાકૃત ભાષામાં=સામાન્ય ભાષામાં રચાયેલાં છે. એકની એક વસ્તુનું નિરર્થક વારંવાર વર્ણન આવે છે. વ્રત, છ જીવનિકાય, પ્રમાદ વગેરેનો નિરર્થક વારંવાર ઉપદેશ આવે છે. અનેક પ્રકારના અયોગ્ય અપવાદો બતાવેલા છે. ઇત્યાદિ રૂપે શ્રુતનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
(૩) સંઘ— સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર પ્રકારનો સંઘ છે. સાધુ-સાધ્વીઓ શરીર આદિની પવિત્રતા રાખતા નથી. કદી સ્નાન કરતા નથી. સમાજને ભારરૂપ થાય છે. સમાજનું અન્ન ખાવા છતાં સમાજની સેવા કરતા નથી. શ્રાવકો અને શ્રાવિકાઓ સ્નાનને ધર્મ માનતા નથી, બ્રાહ્મણોને દાન આપતા નથી, હોસ્પિટલ વગેરે આરોગ્યનાં સાધનો બનાવતા નથી. ઇત્યાદિ રૂપે સંઘનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
(૪) ધર્મ– પાંચ મહાવ્રત આદિ અનેક પ્રકારનો ધર્મ છે. ધર્મનું પ્રત્યક્ષ ફળ દેખાતું નથી માટે ધર્મ હંબક છે. ધર્મથી સુખ મળે છે એવું છે જ નહિ. કારણ કે ધર્મ કરવા છતાં દુઃખી અને ધર્મ ન કરવા છતાં સુખી દેખાય છે. ઇત્યાદિ રૂપે ધર્મનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
(૫) દેવ— અહીં દેવ શબ્દથી ભવનપતિ આદિ દેવ વિવક્ષિત છે. દેવો છે નહિ. દેવો હોય તો અહીં શા માટે ન આવે ? દેવો મધ-માંસનું સેવન કરે છે. ઇત્યાદિ રૂપે દેવોનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
તદુપરાંત– મિથ્યાત્વનો તીવ્ર પરિણામ, ઉન્માર્ગદેશના, ધાર્મિક લોકોનાં દૂષો જોવાં, અસદ્ અભિનિવેશ (=કદાગ્રહ), કુદેવ આદિનું સેવન વગેરે પણ દર્શનમોહનીયના આસ્રવો છે. એ આસ્રવોથી ભવાંતરમાં સદ્ધર્મ ન મળે તેવાં કર્મો બંધાય છે.