________________
૨૪૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૭ તીવ્ર-મંદ ભાવ– તીવ્રભાવ એટલે અધિક પરિણામ. મંદભાવ એટલે અલ્પ પરિણામ. દા.ત. મંદ આવેશથી અને તીવ્ર આવેશથી પ્રાણનો નાશ કરવામાં પ્રાણાતિપાતિકી ક્રિયા સમાન હોવા છતાં મંદ આવેશથી થતી હિંસામાં હિંસાના પરિણામ મંદ હોય છે અને તીવ્ર આવેશથી થતી હિંસામાં હિંસાના પરિણામ તીવ્ર હોય છે. રાજાની કે અન્યની પરતંત્રતાથી આજ્ઞાથી જીવને હણવામાં અને પોતાના દુન્યવી સ્વાર્થના કારણે જીવને હણવામાં ક્રિયા સમાન છતાં હિંસાના પરિણામમાં ઘણો જ ભેદ હોય છે. એકમાં મંદભાવ હોય છે, જ્યારે બીજામાં તીવ્રભાવ હોય છે. એક પેટી પૂરવા અનીતિ કરે છે અને એક પેટ પૂરવા અનીતિ કરે છે. અહીં અનીતિના પરિણામ એકમાં તીવ્ર અને એકમાં મંદ છે. આથી કર્મબંધમાં ભેદ પડે છે. એકને તીવ્ર કર્મબંધ થાય છે અને એકને મંદ કર્મબંધ થાય છે. એક ખૂબ ઉલ્લાસમાં આવીને જિનભક્તિ કરે છે અને એક સામાન્ય ઉલ્લાસથી જિનભક્તિ કરે છે. અહીં જિનભક્તિની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ છે, એથી પુણ્યમાં પણ ભેદ પડે છે. અત્યંત ઉલ્લાસવાળાને ઉત્કૃષ્ટ પુણ્યબંધ અને સામાન્ય ઉલ્લાસવાળાને સામાન્ય પુણ્યબંધ થાય છે. તીવ્રભાવ અને મંદભાવના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે.
જ્ઞાત-અજ્ઞાતભાવ જ્ઞાતભાવ એટલે જાણીને ઇરાદાપૂર્વક આસવની પ્રવૃત્તિ. અજ્ઞાતભાવ એટલે અજ્ઞાનતાથી=ઈરાદા વિના આસવની પ્રવૃત્તિ. દા.ત. શિકારી જાણીને ઇરાદાપૂર્વક બાણથી હરણને હણે છે. જયારે અન્ય સ્તંભ આદિને વિધવાના ઇરાદાથી બાણ ફેકે છે, પણ કોઈ પ્રાણીને લાગતાં તે મરી જાય છે. અહીં પ્રથમ જીવ હિંસા કરે છે, જ્યારે બીજો જીવ હિંસા કરતો નથી, પણ તેનાથી હિંસા થઈ જાય છે, એ ભેદ છે. આથી બંનેના હિંસાના પરિણામમાં ભેદ છે. પરિણામના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે.
વીર્યવીર્યંતરાય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રાપ્ત થતી શક્તિ તે વીર્ય. જેમ જેમ વીર્ય શક્તિ વધારે તેમ તેમ પરિણામ વધારે તીવ્ર અને જેમ જેમ વીર્ય ઓછું તેમ તેમ પરિણામ વધારે મંદ હોય છે. તીવ્ર શક્તિવાળો અને મંદ શક્તિવાળો એ બંને એક જ પ્રકારની હિંસાની ક્રિયા કરવા છતાં વીર્યના ભેદના કારણે પરિણામમાં પણ ભેદ પડે છે. માટે જ છઠ્ઠા સંઘયણવાળો ૧. સંઘયણની સમજૂતી માટે જુઓ આઠમા અધ્યાયનું ૧૨મું સૂત્ર.