________________
૨૧૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અ) ૫ સૂ૦ ૨૭ પરમાણુ પુદ્ગલનો અંતિમ અંશ છે. સંઘાત થતાં તે અંતિમ અંશ તરીકે મટીને સ્કંધ રૂપે બને છે. એટલે સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ થાય છે પણ પરમાણુની ઉત્પત્તિ થતી જ નથી, વળી સંઘાત-ભેદ થતાં કેટલાક પરમાણુ ભેગા થાય છે અને કેટલાક પરમાણુઓ છૂટા પડે છે. એથી સંઘાત-ભેદથી પણ પરમાણુની ઉત્પત્તિ થતી નથી. જયારે સ્કંધમાંથી પરમાણુ છૂટો પડે ત્યારે જ પરમાણુની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન– પરમાણુ નિત્ય છે અને કારણ રૂપ જ છે, કાર્ય રૂપ નથી. પણ અહીં ભેદથી અણ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એનો અર્થ એ થયો કે પરમાણુ અનિત્ય છે, અને કાર્યરૂપ પણ છે. આથી અહીં “વલતો ચાલતઃ' થાય છે.
ઉત્તર– તમે એટલું ખ્યાલ રાખી લો કે જૈન દર્શન કોઈ પણ વસ્તુને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનતું જ નથી. એ દરેક વસ્તુને અપેક્ષાથી નિત્ય અને અપેક્ષાથી અનિત્ય એમ ઉભય સ્વરૂપ માને છે. એટલે કોઈ વખત અમુક અપેક્ષાથી નિત્ય કહે છે અને કોઈ વખત એ જ વસ્તુને અમુક અપેક્ષાથી અનિત્ય પણ કહે છે. જૈનદર્શન વસ્તુમાત્રને દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય માને છે. આથી જયારે તે કોઈ વસ્તુને નિત્ય યા અનિત્ય કહે ત્યારે તે વસ્તુ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે એમ નહિ સમજવું. પૂર્વે પરમાણુને નિત્ય કહેવામાં આવેલ છે તે દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ. એટલે કે પરમાણુ પૂર્વે હતો જ નહિ, અને નવો જ દ્રવ્યરૂપે ઉત્પન્ન થાય છે એમ નથી. આથી દ્રવ્યરૂપે તે નિત્ય છે. પણ અમુક પર્યાય રૂપે તે નવો જ ઉત્પન્ન થાય છે. જયારે પરમાણુ સ્કંધમાંથી છૂટો પડે છે ત્યારે એનો સ્કંધબદ્ધ અસ્તિત્વ પર્યાય નાશ પામે છે અને સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય ઉત્પન્ન થાય છે. આથી પર્યાયાર્થિક નયથી સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય રૂપે પરમાણુની ઉત્પત્તિ થાય છે. બાકી સ્કંધમાં જે પરમાણુ હતો તે જ છૂટો પડે છે એટલે કોઈ નવો જ પરમાણુ ઉત્પન્ન થાય છે એવું નથી. એટલે અહીં ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે એનો અર્થ એટલો જ છે કે પરમાણુ સ્કંધમાં બદ્ધ હતો તે છૂટોસ્વતંત્ર થાય છે. આથી તેનામાં સ્વતંત્ર અસ્તિત્વ રૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. પરમાણુના સ્વતંત્ર અસ્તિત્વ પર્યાયની ઉત્પત્તિને ઉપચારથી પરમાણુની ઉત્પત્તિ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ તે (ઉત્પન્ન ન થવાથી) કારણરૂપ છે અને પર્યાયાર્થિકનયની દષ્ટિએ (ઉત્પન્ન થવાથી) કાર્ય રૂપ પણ છે. (૨૭)