________________
૨૧
વધારી શકે નહિ, બલ્કે રહેલી સંપત્તિ પણ ગુમાવી બેસે એ બનવાજોગ છે. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં દયા આદિ ગુણોના સ્વરૂપ આદિનું જ્ઞાન ન હોય તો તેનાથી યથાર્થ લાભ થતો નથી. ગુણોના સ્વરૂપ આદિનું યથાર્થ જ્ઞાન જિનેશ્વર ભગવંતના ઉપદેશથી જ કરી શકાય છે. જિનેશ્વર ભગવાનનો ઉપદેશ ત્યારે જ રુચે કે જ્યારે ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે’ એવી શ્રદ્ધા જાગે. આમ ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે’ એવી શુદ્ધ માન્યતા આવ્યા વિના ગુણોથી યથાર્થ લાભ થતો નથી. જે ગુણોથી યથાર્થ લાભ ન થાય તે ગુણો પરમાર્થથી નથી એમ કહેવાય. માટે જ્યાં સુધી શુદ્ધ માન્યતા ન આવે ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતો નથી એમ અહીં કહેવામાં આવ્યું છે.
હા, એક વાત છે. કેટલાક (અપુનર્બંધક, માર્ગાનુસા૨ી વગેરે) જીવોને દયા, દાન આદિ ગુણો ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે' એવી શુદ્ધ માન્યતા થવામાં કારણરૂપ બને છે. અર્થાત્ ગુણોથી કાલાંતરે શુદ્ધ માન્યતા પામી જાય છે. આથી તેમના ગુણોને પ્રાથમિક કક્ષામાં ગણીને તે જીવોનું પહેલું ગુણસ્થાન માનવામાં આવે છે. આ વાત પહેલાં કહેવાઇ ગઇ છે.
ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી જ બીજું અને ત્રીજું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. માટે પહેલાં આપણે ચોથા ગુણસ્થાનકને વિચારીએ—
(૪) અવિરત સમ્યગ્દષ્ટિ— જે જીવો દર્શનમોહને મારીને કે નબળો પાડીને ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે' આવી શુદ્ધ માન્યતા ધરાવે છે, પણ ચારિત્રમોહને મારી શક્યા નથી કે નબળો પણ પાડી શક્યા નથી તેવા જીવો અવિરત સમ્યગ્દષ્ટિ છે, અર્થાત્ ચોથા ગુણસ્થાને રહેલા છે. આ ગુણસ્થાનના નામમાં અવિરત અને સમ્યગ્દષ્ટિ એમ બે શબ્દો છે. આ ગુણસ્થાને રહેલા જીવો ચારિત્રમોહથી અશુદ્ધ (હિંસાદિ પાપવાળી) પ્રવૃત્તિવાળા હોવાથી અવિરત છે અને શુદ્ધ માન્યતાવાળા હોવાથી સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્ એટલે શુદ્ધ. દૃષ્ટિ એટલે માન્યતા. આમ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ માન્યતાવાળો ૧. દર્શનમોહને મારવો એટલે અનંતાનુબંધી કષાયો અને દર્શનમોહનો સંપૂર્ણ ક્ષય કરવો, તથા નબળો પાડવો એટલે ઉપશમ કે ક્ષયોપશમ ભાવ પ્રગટાવવો. (ક્ષયોપશમભાવમાં અનંતાનુબંધી કષાયોનો ઉદય ન હોય અને સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય હોય.) ૨. આવી માન્યતાને સમ્યક્ત્વ કે સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.